વરસાદી તારાજી બાદ સહાયની માંગ

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે અસરગ્રસ્તો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને વરસાદથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય અને વળતર આપવા રજૂઆત કરી છે.

મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત

ધારાસભ્ય અનંત પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે અનેક પરિવારોને આર્થિક નુકસાન થયું છે. આવી સ્થિતિમાં અસરગ્રસ્તોને ઝડપી રાહત મળે તે માટે રાજ્ય સરકાર વિશેષ પેકેજ જાહેર કરે અને જરૂરી પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.

Screenshot 2026-07-13 010008.png

SDRF-NDRFના નિયમો બદલવાની માંગ

અનંત પટેલે SDRF અને NDRF હેઠળ મળતી સહાયના નિયમોમાં સુધારો કરવાની પણ માંગ કરી છે. તેમણે ખાસ કરીને ઘરમાં સતત 48 કલાક સુધી પાણી ભરાયેલું રહે ત્યારે જ સહાય મળવાની શરતનો વિરોધ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ આ નિયમ વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ નથી અને અનેક અસરગ્રસ્ત પરિવારો સહાયથી વંચિત રહી જાય છે.

વાસ્તવિક પરિસ્થિતિ મુજબ સહાયની માંગ

ધારાસભ્યનું કહેવું છે કે ઘણા વિસ્તારોમાં પાણી થોડા કલાકોમાં ઉતરી જાય છે, પરંતુ તે દરમિયાન ઘરો, ઘરવખરી અને ખેતીને મોટું નુકસાન થઈ જાય છે. તેથી સહાય માટેની પાત્રતા નક્કી કરતી વખતે માત્ર 48 કલાકની શરતને બદલે વાસ્તવિક નુકસાનના આધારે નિર્ણય લેવો જોઈએ.

રોજની કમાણી પર નભતા પરિવારને વિશેષ રાહત આપો

અનંત પટેલે વરસાદથી થયેલી નુકસાનીનો સર્વે ઝડપી ગતિએ પૂર્ણ કરવાની અને સહાયની રકમ સીધી અસરગ્રસ્તોના બેંક ખાતામાં જમા કરવાની માંગ કરી છે. સાથે જ પૂર અને વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરીના નુકસાન માટે તાત્કાલિક રોકડ સહાય આપવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે.

ધારાસભ્યએ ખેડૂતો, નાના વેપારીઓ અને દૈનિક મજૂરો માટે અલગ રાહત યોજના જાહેર કરવાની માંગ કરી છે, જેથી વરસાદી આપત્તિથી પ્રભાવિત લોકો ઝડપથી આર્થિક રીતે ઉભા થઈ શકે.