ખાંડની અછતની ભીતિ વચ્ચે મોટો નિર્ણય
ગુજરાતમાં ખાંડની અછતને લઈને ભીતિ વચ્ચે રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સપ્ટેમ્બર 2026માં ખાંડ સહિતની આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ માટે ચલણ ભરવાની છેલ્લી તારીખ 3 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
સપ્ટેમ્બરમાં 4,500 મેટ્રિક ટન ખાંડની ફાળવણી
રાજ્ય સરકારે ખાંડના જથ્થા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે અંત્યોદય અને BPL કાર્ડધારકો માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સપ્ટેમ્બર મહિનામાં કુલ 4,500 મેટ્રિક ટન ખાંડની ફાળવણી કરવામાં આવશે.
અંત્યોદય-BPLને રાહત દરે ખાંડ
સરકારની વ્યવસ્થા મુજબ અંત્યોદય કાર્ડધારકોને ₹15 પ્રતિ કિલોના દરે ખાંડ મળશે. જ્યારે BPL કાર્ડધારકોને ₹22 પ્રતિ કિલોના રાહત દરે ખાંડનું વિતરણ કરવામાં આવશે.
ઓગસ્ટમાં 7,100 MT ખાંડનું વિતરણ
આ ઉપરાંત ઓગસ્ટ મહિનામાં પણ અગાઉથી 7,100 મેટ્રિક ટન ખાંડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારના જણાવ્યા પ્રમાણે તહેવારો દરમિયાન લાભાર્થીઓને સમયસર ખાંડ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
લાખો રેશનકાર્ડ ધારકોને રાહત
ખાંડની અછત અંગેની ભીતિ વચ્ચે સરકારની આ સ્પષ્ટતાથી રેશનકાર્ડ ધારકોને રાહત મળી છે. 3 સપ્ટેમ્બર સુધી ચલણ ભરવાની સમયમર્યાદા વધારવામાં આવતા લાભાર્થીઓને તહેવારો પહેલાં જરૂરી જથ્થો મેળવવામાં સરળતા રહેશે.

