નંબર પ્લેટ ઢાંકવા પર સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ વલણ

વાહનની નંબર પ્લેટ ઢાંકવી એ ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ છેતરપિંડીનો ગુનો ગણાય કે નહીં, તે અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર નંબર પ્લેટ ઢાંકવાના આધારે IPC કલમ 420 હેઠળ ગુનો નોંધાવી શકાય નહીં.

MV Act હેઠળ કાર્યવાહી થઈ શકે

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે નંબર પ્લેટ ઢાંકવી એ મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ નિયમનકારી ઉલ્લંઘન છે. તેથી આવા કિસ્સામાં દંડ અથવા અન્ય કાર્યવાહી થઈ શકે છે, પરંતુ તેને સીધું છેતરપિંડીનો ફોજદારી ગુનો ગણાવી શકાય નહીં.

શું હતો સમગ્ર મામલો?

મોહમ્મદ અબ્દુલ અહદ શેકર નામના અરજદાર સામે વર્ષ 2020માં પાછળની નંબર પ્લેટ કાળા માસ્કથી ઢાંકવાનો આરોપ મૂકાયો હતો. પોલીસે IPC કલમ 420 તેમજ મોટર વાહન કાયદા હેઠળ FIR નોંધાવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે વાહનની આગળની નંબર પ્લેટ સ્પષ્ટ દેખાતી હતી, તેથી ઓળખ છુપાવવાનો ઇરાદો સાબિત થતો નથી.

છેતરપિંડી સાબિત કરવા શું જરૂરી?

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે IPC કલમ 420 લાગુ કરવા માટે અપ્રમાણિક ઇરાદો, પ્રલોભન અને મિલકતનું નુકસાન જેવા તત્વો સાબિત થવા જરૂરી છે. માત્ર નંબર પ્લેટ ઢાંકવાના આધારે આ કલમ લાગુ કરી શકાતી નથી.