મને હટાવવા ભાજપના જ નેતાઓએ ષડયંત્ર રચ્યું! બિરેન સિંહના આરોપથી મણિપુરમાં રાજકીય ઘમસાણ

મણિપુરમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપની અંદરનો રાજકીય વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા એન. બિરેન સિંહે પોતાની જ પાર્ટીના કેટલાક નેતાઓ પર તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે કોંગ્રેસ સાથે મળીને ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ફેબ્રુઆરી 2025માં પદ છોડ્યા બાદ પણ રાજ્યમાં હિંસા ચાલુ રહેવા અંગે સવાલો ઉઠાવ્યા છે. સાથે જ દાવો કર્યો છે કે લોકો તેમને ફરી મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.

ભાજપના જ નેતાઓ સામે ષડયંત્રનો આરોપ

બિરેન સિંહના જણાવ્યા અનુસાર, 2017થી તેમની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કેન્દ્રીય નેતૃત્વ પર નહીં, પરંતુ રાજ્યના કેટલાક નેતાઓ પર આક્ષેપ કરી રહ્યા છે. તેમના દાવા મુજબ, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ તેઓ બે વખત મુખ્યમંત્રી કેવી રીતે બન્યા તે કેટલાક ધારાસભ્યો સ્વીકારી શક્યા નહોતા. આ જ નારાજગીના કારણે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચાયું અને તેમને રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે.

‘મને હટાવ્યા પછી પણ હિંસા કેમ ન અટકી?’

મણિપુરમાં સતત ચાલુ રહેલી હિંસાનો મુદ્દો ઉઠાવી બિરેન સિંહે સવાલ કર્યો કે તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવાથી રાજ્યમાં શાંતિ સ્થાપિત થવાની વાત કરવામાં આવી હતી, તો પછી હિંસા કેમ ચાલુ રહી? તેમણે નાગા સમુદાયના લોકોનાં મોત અને અન્ય સમુદાયો વચ્ચે વધતા સંઘર્ષનો ઉલ્લેખ કરીને વર્તમાન સ્થિતિ અંગે સવાલો કર્યા. યુરોપિયન સંસદે અગાઉ મણિપુરની હિંસા અંગે વ્યક્ત કરેલી ચિંતા અને ત્યારબાદની સ્થિતિને લઈને પણ તેમણે નારાજગી દર્શાવી.

વર્તમાન સરકાર સામે પણ ઉઠાવ્યા સવાલ

પૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો કે ભાજપ લોકોનો વિશ્વાસ ગુમાવી રહી છે. તેમના મતે, નશા વિરોધી અભિયાન, અફીણની ખેતી નાબૂદી અને શંકાસ્પદ ગેરકાયદે પ્રવાસીઓની બાયોમેટ્રિક ઓળખ જેવા મુદ્દાઓ પર સરકારે સતત કામગીરી કરવી જોઈએ. તેમણે કહ્યું કે સરકારની કામગીરી અંગે લોકો સુધી પૂરતી માહિતી પહોંચતી નથી. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં જનતાનો વિશ્વાસ પાછો મેળવવા માટે સરકારે સ્પષ્ટ પગલાં ભરવા પડશે.

‘લોકો મને ફરી CM તરીકે જોવા માંગે છે’

પોતાની રાજકીય વાપસી અંગે પૂછવામાં આવતા બિરેન સિંહે દાવો કર્યો કે લોકોમાં તેમને ફરી મુખ્યમંત્રી બનાવવાની જોરદાર માંગ છે. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે મુખ્યમંત્રી પદ અંગેનો નિર્ણય ચૂંટણીમાં પક્ષને બહુમતી મળ્યા બાદ જ થઈ શકે છે. તેમણે ભાજપના કેન્દ્રીય નેતૃત્વને મણિપુરની સ્થિતિમાં હસ્તક્ષેપ કરવા અને સરહદ પર ફેન્સિંગ સહિતના મુદ્દાઓ પર કામગીરી આગળ વધારવા અપીલ કરી છે.