વિશ્વમાં ઊર્જા પુરવઠા અને સુરક્ષાને લઈને પડકારો ઊભા થઈ રહ્યા છે, ત્યારે ભારતે સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે પોતાની યોજનાઓને વધુ વેગ આપવાની તૈયારી દર્શાવી છે. નવી દિલ્હીમાં યોજાયેલા ભારત રિન્યુએબલ એનર્જી સમિટ એન્ડ એક્સ્પો 2026ના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 10થી 11 વર્ષમાં વધુ 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતા ઉમેરવાનો લક્ષ્યાંક રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે ઊર્જા સુરક્ષાનું ભવિષ્ય સ્વચ્છ ઊર્જામાં રહેલું છે.
દાયકાના અંત સુધીમાં ₹20 લાખ કરોડની તકો
વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં દાયકાના અંત સુધીમાં 20 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણની તકો ઊભી થઈ શકે છે. છેલ્લા એક દાયકામાં આ ક્ષેત્રમાં 15 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ આવ્યું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. સરકારની નીતિગત સ્થિરતા, વધતી માંગ અને મોટા પાયે ઊર્જા ઉત્પાદનની જરૂરિયાતને કારણે આ ક્ષેત્રમાં રોકાણકારો માટે નવી તકો ઊભી થવાની સંભાવના છે.
પેરિસ કરારનો લક્ષ્યાંક પાંચ વર્ષ વહેલો હાંસલ
ભારતની સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું કે દેશે પોતાની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતામાંથી 50 ટકાથી વધુ હિસ્સો બિન-અશ્મિભૂત ઊર્જા સ્ત્રોતો પર આધારિત કરવાનો લક્ષ્યાંક વર્ષ 2025માં જ હાંસલ કર્યો છે. આ લક્ષ્યાંક 2030 સુધીમાં પૂર્ણ કરવાનો હતો. દેશમાં બિન-અશ્મિભૂત ઊર્જાની સ્થાપિત ક્ષમતા લગભગ 300 ગીગાવોટ સુધી પહોંચી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ગ્રીન હાઇડ્રોજન અને ઊર્જા ક્ષેત્રે નવી દિશા
ભારત માત્ર સોલર અને પવન ઊર્જા પૂરતું સીમિત ન રહેતાં ગ્રીન હાઇડ્રોજન સહિતના નવા ક્ષેત્રોમાં પણ આગળ વધી રહ્યું છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ વર્ષ 2030 સુધીમાં વાર્ષિક 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ક્ષેત્રમાં ટેક્નોલોજી, ઉત્પાદન અને પરિવહન વ્યવસ્થાના વિકાસથી નવી ઔદ્યોગિક તકો ઊભી થઈ શકે છે.
ખેડૂતો અને પરિવારોને સોલર ઊર્જા સાથે જોડવાનો પ્રયાસ
વડાપ્રધાને ખેડૂતોને માત્ર અન્નદાતા નહીં, પરંતુ ઊર્જાદાતા બનાવવાની દિશામાં સોલર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. ખેડૂતોની ખાલી જમીન પર સોલર પેનલ સ્થાપિત કરવા ઉપરાંત સામાન્ય પરિવારોની ઊર્જાની જરૂરિયાતો સોલર પાવરથી પૂરી થઈ શકે તેવા મોડેલ વિકસાવવા સ્ટાર્ટઅપ્સ અને સંશોધન સંસ્થાઓને અપીલ કરવામાં આવી હતી. સરકારી ઇમારતોને પણ સોલર ઊર્જા સાથે જોડવાની કામગીરીને વધુ વિસ્તૃત કરવાની વાત તેમણે કરી હતી.

