TMKOCના ગોકુલધામ સેટનો વાયરલ વીડિયો જોઈ ચાહકો ચિંતિત! અસિત મોદીએ જણાવ્યું આખું સત્ય.

ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફરી એકવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ગોકુલધામ સોસાયટીના સેટમાં તોડફોડ થતો વીડિયો વાયરલ થતાં ચાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ઘણા લોકોએ તો શો બંધ થવાની અટકળો પણ શરૂ કરી દીધી હતી.

જોકે, વાયરલ વીડિયોની હકીકત કંઈક અલગ જ છે. વીડિયોમાં દેખાતી તોડફોડ શો બંધ થવાને કારણે નહીં પરંતુ ગોકુલધામ સોસાયટીના સેટના રિનોવેશન માટે કરવામાં આવી રહી છે. સેટને વધુ આધુનિક અને આકર્ષક બનાવવા માટે સમારકામનું કામ ચાલી રહ્યું છે.

તોડફોડ જોઇ લોકોની વધી ચિંતા

શોના નિર્માતા અસિત મોદીએ પણ વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે ગોકુલધામ સોસાયટીનું રિનોવેશન ચાલી રહ્યું છે અને ચાહકોએ કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરવો. વીડિયોમાં તેઓ પોતે પણ ઇજનેરો અને કામદારો સાથે સ્થળ પર કામની સમીક્ષા કરતા જોવા મળે છે.

અસિત મોદીના જણાવ્યા મુજબ, આ સમગ્ર કામગીરી દર્શકોને વધુ સારો અનુભવ આપવા માટે કરવામાં આવી રહી છે. તેમણે ચાહકોને વિશ્વાસ અપાવ્યો કે નવી સ્ટાઇલમાં તૈયાર થયેલી ગોકુલધામ સોસાયટી સૌને ચોક્કસ પસંદ આવશે.

વર્ષ 2008માં શરૂ થયેલો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આજે પણ ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શોમાં સામેલ છે. જેઠાલાલ, ભિડે, પોપટલાલ, અય્યર અને ડૉ. હાથી જેવા પાત્રો આજે પણ લાખો દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે.