ગ્લાસગોથી અમદાવાદ સુધી ગૌરવની ક્ષણ
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નું સમાપન રંગારંગ સમારોહ સાથે થયું. સમાપન પ્રસંગે આગામી યજમાન તરીકે ભારતને કોમનવેલ્થનો ધ્વજ અને બેટન સોંપવામાં આવ્યા. આ ગૌરવપૂર્ણ ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થનો ફ્લેગ અને બેટન સોંપવામાં આવ્યા, જે અમદાવાદમાં યોજાનારી 2030 કોમનવેલ્થ ગેમ્સ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
હર્ષ સંઘવીનું મોટું નિવેદન
ભારત પરત ફર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ભારતે મર્યાદિત રમતો હોવા છતાં કોમનવેલ્થ ગેમ્સના મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું છે. તેમણે તમામ ભારતીય તેમજ ગુજરાતના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે અમદાવાદ 2030ના આયોજન માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે.

અમદાવાદ રહેશે વિશ્વસ્તરીય યજમાન
હર્ષ સંઘવીએ જણાવ્યું કે વર્ષ 2028ના અંત સુધીમાં જરૂરી રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ જશે. અમદાવાદમાં પૂરતી હોટલ, પરિવહન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી શહેર વિશ્વસ્તરીય રમતોત્સવના આયોજન માટે સક્ષમ છે. ખેલાડીઓનું મહેમાન તરીકે નહીં પરંતુ પરિવારના સભ્યોની જેમ સ્વાગત કરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી.

CWG 2026માં ભારતનું શાનદાર પ્રદર્શન
ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026માં કુલ 39 મેડલ જીતીને ચોથું સ્થાન મેળવ્યું. તેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. બોક્સિંગમાં સૌથી વધુ 7 ગોલ્ડ મેડલ મળ્યા હતા. કેટલીક મહત્વપૂર્ણ રમતોનો સમાવેશ ન હોવા છતાં ભારતીય ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું.

