તાપીની વચ્ચોવચ બિરાજ્યા ગણેશજી
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન આસ્થાની અનોખી તસવીર સામે આવી છે. રાંદેર વિસ્તારમાં તાપી નદીના પ્રવાહની વચ્ચોવચ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. માછીમાર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અંતર્ગત આ વર્ષે પણ નદીના મધ્યમાં વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું છે.
2007થી જળવાઈ પરંપરા
તાપી નદીમાં ગણેશજીની સ્થાપનાની આ પરંપરા વર્ષ 2007થી ચાલી રહી છે. પાંચ પીપડા મહોલ્લામાં રહેતા માછીમાર સમાજ માટે તાપી નદી રોજગારી સાથે તેમની શ્રદ્ધા અને જીવનનો પણ મહત્વનો હિસ્સો છે. આ જ આસ્થાના ભાગરૂપે દર વર્ષે નદીના મધ્યમાં ગણેશજીને બિરાજમાન કરવામાં આવે છે.
પૂરથી સુરતના રક્ષણની માન્યતા
માછીમાર સમાજ સાથે જોડાયેલી માન્યતા પ્રમાણે ગણેશજીની સ્થાપના સુરત શહેરને તાપીના પૂરના સંકટથી રક્ષણ આપે છે. પૂરથી શહેરના રક્ષણ માટે લેવાયેલી બાધા મુજબ દર વર્ષે નદીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે.
ભક્તો માટે બન્યું આકર્ષણ
તાપીના વહેતા પ્રવાહ વચ્ચે બિરાજમાન ગણેશજીની મૂર્તિ હવે લોકો માટે શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર બની છે. એક તરફ ગણેશોત્સવની ભક્તિનો માહોલ છે, તો બીજી તરફ નદીના મધ્યમાં થયેલી અનોખી સ્થાપના સુરતની આસ્થા અને પરંપરાની અલગ જ તસવીર રજૂ કરી રહી છે.

