સોનાની તસ્કરી સામે DRIનો સપાટો

દેશમાં સંગઠિત સોનાની તસ્કરી સામે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મોટી કાર્યવાહી કરી છે. દેશના અલગ-અલગ સ્થળોએ ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં રૂ.65 કરોડથી વધુની કિંમતનું 42 કિલોગ્રામથી વધુ વિદેશી મૂળનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સાથે જ લગભગ 10 કિલોગ્રામ ચાંદી પણ ઝડપાઈ છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન 5 વિદેશી નાગરિકો સહિત કુલ 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તસ્કરોની નવી-નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ

DRIની તપાસમાં સોનાની તસ્કરી માટે અપનાવવામાં આવતી અનેક પદ્ધતિઓ સામે આવી છે. તસ્કરો સોનું છુપાવવા માટે ખાસ બનાવેલા વાહનોના ગુપ્ત ખાંચા, શરીરમાં છુપાવવાની પદ્ધતિ, ટ્રાન્ઝિટ મુસાફરો અને એરપોર્ટ કર્મચારીઓની મદદ સહિતના રસ્તાઓનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. જમીની અને દરિયાઈ માર્ગો મારફતે પણ તસ્કરી કરવામાં આવતી હોવાની માહિતી મળી છે.

મુંબઈ એરપોર્ટ પર મોટું ઓપરેશન

28 અને 29 ઓગસ્ટ 2026ના રોજ DRIએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન દુબઈ, બેંગકોક અને માલે જેવા સ્થળોએથી મુંબઈ થઈને ટ્રાન્ઝિટ કરતા વિદેશી નાગરિકો સાથે જોડાયેલા એક સંગઠિત સિન્ડિકેટનો પર્દાફાશ થયો હતો.

DRIએ કાર્યવાહી દરમિયાન મીણના સ્વરૂપમાં સોનાની ધૂળ ધરાવતી 16 કેપ્સ્યુલમાંથી કુલ 6.85 કિલોગ્રામ 24 કેરેટ સોનું રિકવર કર્યું હતું. આ કેસમાં પાંચ વિદેશી નાગરિકો સહિત કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક એરપોર્ટ સ્ટાફ સભ્યનો પણ સમાવેશ થાય છે.

એરપોર્ટ સ્ટાફની મદદથી સોનું બહાર કાઢવાનો પ્રયાસ

તપાસમાં તસ્કરી કરાયેલા સોનાને એરપોર્ટની બહાર પહોંચાડવા માટે એરપોર્ટ સ્ટાફની મદદ લેવાના કથિત પ્રયાસો પણ સામે આવ્યા છે. DRIના ઓપરેશનથી સ્પષ્ટ થયું છે કે સંગઠિત તસ્કરી નેટવર્ક હવે ટ્રાન્ઝિટ રૂટ અને એરપોર્ટની આંતરિક વ્યવસ્થાનો પણ ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

DRIની કાર્યવાહીથી તસ્કરી નેટવર્ક પર સકંજો

કોલકાતા, મુંબઈ અને કેરળ સહિતના સ્થળોએ હાથ ધરાયેલી શ્રેણીબદ્ધ કાર્યવાહીમાં કુલ 42 કિલોથી વધુ સોનું અને લગભગ 10 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં 25 લોકોની ધરપકડ બાદ હવે DRI દ્વારા સમગ્ર નેટવર્કના અન્ય કનેક્શન અને તસ્કરીના માર્ગોની તપાસ કરવામાં આવી રહી છે.