ગુજરાત માટે રાહતના સમાચાર

રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધતા જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 28 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે અને હાલ ડેમની જળસપાટી 132.38 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

79.27 ટકા પાણીનો જથ્થો

તાજા આંકડા મુજબ ડેમમાં 7,498.80 MCM ગ્રોસ સ્ટોરેજ નોંધાયું છે, જે કુલ ક્ષમતાના 79.27 ટકા જેટલું છે. રાજ્યમાં સારો વરસાદ અને ઉપરવાસમાંથી સતત મળી રહેલી પાણીની આવકને કારણે ડેમનો જળસંગ્રહ સતત વધી રહ્યો છે.

પાણીની આવક જાવક પર નજર

હાલમાં સરદાર સરોવર ડેમમાં 35,870 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી નદીમાં 630 ક્યુસેક અને નર્મદા કેનાલમાં 3,271 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ કુલ 3,901 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

પીવાના પાણી અને સિંચાઈ માટે સારા સંકેત

ડેમમાં પાણીનો જથ્થો સતત વધતા રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઈ માટેની સ્થિતિ વધુ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેશે તો ડેમની સપાટીમાં હજુ વધુ વધારો થઈ શકે છે.