મુંબઈ: બોલિવુડ અભિનેતા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર થયેલા ફાયરિંગ કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી અનમોલ બિશ્નોઈએ મુંબઈની વિશેષ MCOCA કોર્ટમાં સરેન્ડર કરવાની પરવાનગી માગતી અરજી દાખલ કરી છે. અરજીમાં તેણે જણાવ્યું છે કે તે પોતાની મરજીથી કોર્ટ સમક્ષ હાજર થઈ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર છે.

અનમોલ બિશ્નોઈ હાલમાં નવી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. તેને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યા બાદ NIA દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અરજીમાં તેણે તિહાડ જેલ પ્રશાસનના નામે પ્રોડક્શન વોરંટ જાહેર કરવાની પણ માંગ કરી છે, જેથી તેને મુંબઈ કોર્ટમાં રજૂ કરી તેની શરણાગતિની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.

આ મામલે વિશેષ MCOCA કોર્ટના જજ એસ.આર. નવેદરે સરકારી વકીલને અનમોલ બિશ્નોઈની અરજી પર જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટ હવે સરકારનો અભિપ્રાય મળ્યા બાદ આગામી કાર્યવાહી અંગે નિર્ણય કરશે.

ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલ, 2024ના રોજ બે બાઈક સવાર હુમલાખોરોએ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર કર્યો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન મુંબઈ પોલીસે આ કેસમાં MCOCA હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપ મૂક્યો હતો કે હુમલાનું કાવતરું લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ઘડવામાં આવ્યું હતું. આ કેસમાં અન્ય આરોપીઓ સામે પણ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે.