ખેડૂતોનો મુદ્દો ગાંધીનગર પહોંચ્યો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતોનો વન જમીનનો મુદ્દો હવે રાજ્ય સરકારના ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યો છે. આશરે દસ દિવસથી ચાલી રહેલા આ મુદ્દા વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક કરી છે. બેઠકમાં સાગબારાના આદિવાસી ખેડૂતોને વન જમીન પર ખેતીના હક્ક સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.
ખેડૂતોના સમર્થનમાં ધરણા
સાગબારામાં વન જમીન પર ખેતીના મુદ્દે ખેડૂતો અને વન વિભાગ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને જમીન ખેડવા માટે આહ્વાન કર્યું હતું, જોકે ફોરેસ્ટ અધિકારીઓએ તેમને રોક્યા હતા. ત્યારબાદ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ખોપી ગામના ખેડૂતો સાથે ધરણા કરી ખેડૂતોને સમર્થન આપ્યું હતું.
દિલ્હી જવાનો કાર્યક્રમ બદલી ગાંધીનગર પહોંચ્યા
ધરણા બાદ સાંસદ મનસુખ વસાવાએ દિલ્હી જવાનો કાર્યક્રમ બદલીને ગાંધીનગરનો માર્ગ પકડ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં તેમણે સાગબારાના ખેડૂતોની સ્થિતિ અને વન જમીન સંબંધિત પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સમક્ષ વિગતવાર રજૂઆત કરી હતી.
હવે વનમંત્રી સાથે પણ બેઠક
મુખ્યમંત્રીએ રજૂઆત સાંભળ્યા બાદ હવે મનસુખ વસાવા રાજ્યના વનમંત્રી સાથે પણ બેઠક કરશે. આ બેઠકમાં સાગબારાના ખેડૂતોને વન જમીન પર ખેતી કરવાની મંજૂરી અને તેમના કાયદેસરના હક્કો અંગે ચર્ચા થવાની શક્યતા છે. જોકે, અંતિમ નિર્ણય અંગે હાલ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ખેડૂતોમાં જાગી આશા
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ઉમરપાળાના ખેડૂતોના ઉદાહરણની પણ ચર્ચા થઈ રહી છે. ત્યાં ખેડૂતોને ખેતી કરવા દેવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. હવે સાગબારાના ખેડૂતોને પણ સમાન રાહત મળે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. મુખ્યમંત્રી અને વનમંત્રી સાથેની આગામી બેઠકો બાદ આદિવાસી ખેડૂતોના વન જમીન મુદ્દે શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર છે.

