રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં

રાજકોટમાં વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ હવે માન્ય અને સ્પષ્ટ નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ, ડીઝલ કે CNG નહીં આપવામાં આવે. રાજકોટ શહેરના પેટ્રોલ પંપો પર આ નિયમની અમલવારી શરૂ થઈ ગઈ છે.

આગળ-પાછળ બંને નંબર પ્લેટ જરૂરી

નિયમ મુજબ વાહનની આગળ અને પાછળ બંને બાજુ કાયદેસર અને સ્પષ્ટ દેખાય તેવી નંબર પ્લેટ હોવી જરૂરી છે. માત્ર નંબર પ્લેટ ન હોય તેવા વાહનો જ નહીં, પરંતુ તૂટેલી, વાળેલી, ઢાંકેલી, ભુસાઈ ગયેલી અથવા નંબર સ્પષ્ટ ન દેખાતો હોય તેવી પ્લેટ ધરાવતા વાહનોને પણ ઈંધણ નહીં મળે.

ફેન્સી નંબર પ્લેટ પણ નહીં ચાલે

જો નંબર પ્લેટના અક્ષર, કદ, રંગ અથવા બનાવટમાં ચેડાં કરવામાં આવ્યા હોય તો પણ નિયમ લાગુ પડશે. એટલે વાહનચાલકોએ કાયદેસર અને વાંચી શકાય તેવી નંબર પ્લેટ જ રાખવી પડશે.

નિયમનો હેતુ શું?

પોલીસના જણાવ્યા મુજબ કેટલાક વાહનચાલકો ઈ-મેમોથી બચવા માટે નંબર પ્લેટ કાઢી નાખે છે અથવા તેની સાથે ચેડાં કરે છે. આવી સ્થિતિમાં વાહનની ઓળખ મુશ્કેલ બને છે. નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ અકસ્માત, હિટ એન્ડ રન, ચેઇન સ્નેચિંગ, લૂંટ સહિતની ગુનાહિત પ્રવૃત્તિમાં થઈ શકે છે, તેથી વાહનની ઓળખ સરળ બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

60 દિવસ સુધી રહેશે અમલ

રાજકોટ શહેર પોલીસ કમિશનરનું આ જાહેરનામું 17 ઓગસ્ટથી 16 ઓક્ટોબર 2026 સુધી એટલે કે 60 દિવસ માટે અમલમાં રહેશે. આ દરમિયાન શહેરના પેટ્રોલ, ડીઝલ અને CNG સ્ટેશનોએ નિયમનું પાલન કરવાનું રહેશે.

કોને મળશે નિયમમાંથી છૂટ?

માન્ય કામચલાઉ રજિસ્ટ્રેશન નંબર ધરાવતા વાહનો, માન્ય ટ્રેડ સર્ટિફિકેટ નંબરવાળા નવા વાહનો તથા એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટીની સેવાના વાહનોને નિયમમાંથી છૂટ આપવામાં આવી છે.

નિયમ તોડશો તો કાર્યવાહી

પેટ્રોલ પંપ સંચાલકો અને કર્મચારીઓને નિયમનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એટલે રાજકોટમાં વાહન લઈને નીકળતા પહેલા નંબર પ્લેટ કાયદેસર, સ્પષ્ટ અને બંને બાજુએ લગાવેલી છે કે નહીં તેની ચકાસણી કરવી જરૂરી છે.