લોકમેળાનો આજથી પ્રારંભ

જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા લોકમેળાનો આજથી પ્રારંભ થવાનો છે. રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જોકે, મેળો શરૂ થવાના ગણતરીના કલાકો પહેલાં પણ એકપણ રાઇડને મંજૂરી ન મળતા પ્રથમ દિવસે મેળાની રોનક ફિક્કી રહેવાની શક્યતા છે.

34 રાઇડ્સ માટે અરજી

લોકમેળામાં રાઇડ્સ શરૂ કરવા માટે રાજકોટ સિટી રાઇડ્સ એન્ડ સેફ્ટી કમિટીની મંજૂરી જરૂરી છે. આ કમિટીમાં વિવિધ વિભાગોના આશરે 13 સભ્યોનો સમાવેશ થાય છે. આ વર્ષે કુલ 34 રાઇડ્સ માટે 11 સંચાલકોએ અરજી કરી છે, પરંતુ હજુ સુધી એકપણ રાઇડને મંજૂરી આપવામાં આવી નથી.

મંજૂરી બાદ જ રાઇડ્સ શરૂ થશે

સ્પેશિયલ બ્રાન્ચના DCP જગદિશ બાંગરવાએ જણાવ્યું કે કમિટી દ્વારા રાઇડ્સની સલામતી સહિતની બાબતો અંગે અભિપ્રાય આપવામાં આવે છે. કમિટી દ્વારા જેમ જેમ મંજૂરી આપવામાં આવશે તેમ તેમ રાઇડ્સ શરૂ કરવામાં આવશે. ઉદ્ઘાટન સમયે એકાદ-બે રાઇડને મંજૂરી મળવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. મંજૂરીમાં વિલંબ થાય તો પ્રથમ દિવસે રાઇડ્સ વગર જ મેળો શરૂ થઈ શકે છે.

ખાણીપીણીના 50 જેટલા સ્ટોલ

બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખાએ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ખાણીપીણીના સ્ટોલનું ચેકિંગ શરૂ કર્યું છે. મેળામાં આશરે 45થી 50 ફુડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. પાઉંભાજી, ભેળ, ઢોકળા, બટાટા, ખીચું અને આઇસ્ક્રીમ સહિતની વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ થશે.

સડેલા બટાટા અને પ્રતિબંધિત કલર મળ્યા

મનપાની પ્રાથમિક તપાસ દરમિયાન કેટલાક સ્ટોલ પરથી સડેલા બટાટા અને પ્રતિબંધિત કલર મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના પગલે આરોગ્ય વિભાગે દંડની કાર્યવાહી હાથ ધરી છે. પાંચ દિવસ ચાલનારા મેળા દરમિયાન ફુડ શાખા દ્વારા સતત ચેકિંગ કરવામાં આવશે અને વિક્રેતાઓને પ્રતિબંધિત કલર, વાસી શાકભાજી તથા એક્સપાયરી ડેટવાળા ખાદ્યપદાર્થોનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે.