PM મોદીના જન્મદિવસે અમિત શાહ ગુજરાતમાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. વડનગરથી શરૂ થનારી યુવા બાઇક યાત્રા અને અમદાવાદના કાંકરિયામાં યોજાનારા દીવડા પ્રગટાવવાના કાર્યક્રમ સહિત વિવિધ આયોજનોમાં તેઓ ઉપસ્થિત રહેશે.

વડનગરથી વારાણસી સુધી બાઇક યાત્રા

ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘વડનગરથી વારાણસી’ યુવા બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ યાત્રા 7 ઓક્ટોબર સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં યાત્રા વડનગરથી વારાણસી જશે અને ત્યારબાદ વારાણસીથી વડનગર પરત ફરશે.

250 સેવા યાત્રીઓ જોડાશે

આ અભિયાનમાં 250 સેવા યાત્રીઓના 10 ગ્રૂપ ભાગ લેશે અને 10 અલગ-અલગ રૂટ પરથી યાત્રા આગળ વધશે. ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાંથી ઉપ-યાત્રાઓ નીકળીને વડનગર ખાતે એકત્ર થશે.

હાટકેશ્વર મહાદેવથી કાશી વિશ્વનાથ સુધી

યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએથી જળ કળશ એકત્ર કરવામાં આવશે. વડનગરમાં ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવનું પૂજન કર્યા બાદ આ પવિત્ર જળ વારાણસી લઈ જઈ કાશી વિશ્વનાથને અર્પણ કરવામાં આવશે.

કાંકરિયામાં 1.25 લાખ દીવડાઓ

અમદાવાદમાં પણ PM મોદીના જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાશે. અમિત શાહ જગન્નાથ મંદિરમાં વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય માટે વિશેષ આરતી કરશે. ત્યારબાદ કાંકરિયા ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં 1.25 લાખ દીવડા પ્રગટાવવામાં આવશે.