શક્તિ કોરિડોરને હાઈકોર્ટની લીલીઝંડી
અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર પ્રોજેક્ટને ગુજરાત હાઈકોર્ટના નિર્ણયથી મોટી રાહત મળી છે. અંબાજી કેળવણી મંડળ દ્વારા જમીન રિઝમ્પશન સામે કરવામાં આવેલી અરજીઓને હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ સાથે બનાસકાંઠા કલેક્ટરના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો પણ કોર્ટે ઇનકાર કર્યો છે.
જમીન મામલે શું હતો વિવાદ?
આ કેસમાં વિવાદિત જમીન અંગે રાજ્ય સરકાર તરફથી મહત્વની દલીલ કરવામાં આવી હતી. સરકારનું કહેવું હતું કે વિવાદિત જમીન સરકારી માલિકીની છે અને મોટા જનહિતના પ્રોજેક્ટ માટે તેનો ઉપયોગ જરૂરી છે. સરકારે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે જમીનનો કબજો પહેલેથી જ મેળવી લેવામાં આવ્યો છે.
અરજદારોની શું હતી દલીલ?
અંબાજી કેળવણી મંડળ તરફથી દલીલ કરવામાં આવી હતી કે વિવાદિત જમીનનો ઉપયોગ શાળા અને રમતના મેદાન માટે થઈ રહ્યો છે. જમીન રિઝમ્પશનના નિર્ણય સામે મંડળે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અરજીઓ ફગાવી દીધી હતી.
કોરિડોર પ્રોજેક્ટને મળશે વેગ
હાઈકોર્ટના આ નિર્ણયથી હવે અંબાજી માતા મંદિરથી ગબ્બર મંદિર સુધીના શક્તિ કોરિડોર પ્રોજેક્ટને આગળ વધવાનો માર્ગ વધુ સરળ બનશે. જમીન સંબંધિત કાનૂની અડચણ દૂર થતાં પ્રોજેક્ટના કામમાં વેગ આવવાની શક્યતા છે.
ધાર્મિક પ્રવાસનને મળશે બૂસ્ટ
અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવે છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં અંબાજી વિસ્તારમાં ધાર્મિક પ્રવાસન, માળખાગત સુવિધાઓ અને યાત્રાળુઓ માટેની કનેક્ટિવિટીને વધુ વેગ મળવાની અપેક્ષા છે. હાઈકોર્ટના નિર્ણયથી હવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટેનો માર્ગ વધુ મોકળો બન્યો છે.

