મંજૂરી કરતાં વધુ ઊંચાઈની મૂર્તિ
અમદાવાદમાં ગણેશોત્સવ દરમિયાન મંજૂરી કરતાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થાપવાનો મામલો સામે આવ્યો છે. નવા નરોડામાં જાહેરમાર્ગ પર નિયમ વિરુદ્ધ મૂર્તિ સ્થાપવામાં આવી હોવાના આરોપસર કૃષ્ણનગર પોલીસે આયોજક સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધી છે. પોલીસ પરમિટમાં 8.5 ફૂટની મૂર્તિની મંજૂરી હતી, જ્યારે સ્થળ પર 11 ફૂટની મૂર્તિ મળી આવી હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જાણ થઈ
મળતી માહિતી મુજબ, નવા નરોડામાં બાપાસીતારામ ચોક પાસે આવેલા હરિવિલા ફ્લેટના ગેટ નજીક જાહેર રોડ પર ગણેશ મૂર્તિ સ્થાપવા માટે મંડપ બનાવવામાં આવ્યો હતો. કૃષ્ણનગર પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સ્થાપિત મૂર્તિની ઊંચાઈ મંજૂરી કરતાં વધુ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી.
8.5 ફૂટની મંજૂરી સામે 11 ફૂટની મૂર્તિ
પોલીસ તપાસ દરમિયાન મૂર્તિ સ્થાપના માટે મેળવેલા પરમિટની પણ તપાસ કરવામાં આવી હતી. તેમાં 8.5 ફૂટની ગણેશ મૂર્તિ સ્થાપવાની મંજૂરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, સ્થળ પર માપણી કરવામાં આવતા ગણેશજીની મૂર્તિ આશરે 11 ફૂટ ઊંચી હોવાનું જાણવા મળ્યું હતું.
ટ્રોલી અને સ્કલ્પચરથી કુલ ઊંચાઈ 22.5 ફૂટ
મામલો માત્ર મૂર્તિની ઊંચાઈ પૂરતો મર્યાદિત નહોતો. પોલીસ તપાસ મુજબ મૂર્તિ જે ટ્રોલી પર સ્થાપવામાં આવી હતી તેની ઊંચાઈ આશરે 4.5 ફૂટ હતી. આ ઉપરાંત મૂર્તિની પાછળ આશરે 7 ફૂટ ઊંચાઈનું ભગવાન શંકરનું ફાઇબર સ્કલ્પચર પણ મૂકવામાં આવ્યું હતું. આ તમામને ધ્યાનમાં લેતાં સમગ્ર સ્થાપનાની કુલ ઊંચાઈ આશરે 22.5 ફૂટ હોવાનું સામે આવ્યું છે.
આયોજક સામે કાયદેસરની કાર્યવાહી
આ મામલે કૃષ્ણનગર પોલીસે આયોજક સચિન કુમાવત સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધી છે. ગણેશોત્સવ દરમિયાન જાહેરમાર્ગો પર મૂર્તિ અને મંડપ સ્થાપવા માટે આપવામાં આવતી મંજૂરીના નિયમોનું પાલન થાય તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

