ગણેશોત્સવ પહેલાં અમદાવાદમાં સુરક્ષાનો સખત સંદેશ

અમદાવાદમાં ગણેશોત્સવની તૈયારીઓ વચ્ચે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગે ગણેશ પંડાલો માટે કડક ફાયર સેફ્ટી નિયમો જાહેર કર્યા છે. પંડાલ નાનો હોય કે મોટો, આગથી બચાવ માટે જરૂરી સાધનો અને ઇમરજન્સી વ્યવસ્થામાં કોઈ બેદરકારી ચલાવવામાં નહીં આવે. 500 ચોરસ મીટરથી નાના પંડાલ માટે ફાયર NOC જરૂરી નહીં હોય, પરંતુ નિર્ધારિત ફાયર સેફ્ટી સાધનો રાખવા ફરજિયાત રહેશે.

પંડાલના કદ પ્રમાણે ફાયર સાધનો ફરજિયાત

નિયમો મુજબ 25 ચો.મી. સુધીના પંડાલમાં 2 ફાયર એક્સ્ટિંગ્વિશર, પાણીનું 1 બેરલ અથવા ડોલ અને 2 ફાયર બકેટ રાખવાના રહેશે. 25થી 50 ચો.મી.ના પંડાલમાં 4 એક્સ્ટિંગ્વિશર, 1 પાણીની ડોલ અને 2 ફાયર બકેટ જરૂરી રહેશે. 50થી 100 ચો.મી.માં 8 એક્સ્ટિંગ્વિશર, 2 ડોલ અને 4 ફાયર બકેટ રાખવાના રહેશે.

મોટા પંડાલ માટે વધુ કડક વ્યવસ્થા

100થી 200 ચો.મી.ના પંડાલમાં 16 એક્સ્ટિંગ્વિશર, 4 ડોલ અને 8 ફાયર બકેટ, જ્યારે 200થી 300 ચો.મી.માં 24 એક્સ્ટિંગ્વિશર, 6 પાણીના બેરલ અને 12 ફાયર બકેટ રાખવાના રહેશે. 300થી 400 ચો.મી. માટે 32 એક્સ્ટિંગ્વિશર, 8 ડોલ અને 16 ફાયર બકેટ તથા 500 ચો.મી. સુધીના પંડાલ માટે 40 એક્સ્ટિંગ્વિશર, 10 ડોલ અને 20 ફાયર બકેટ ફરજિયાત કરાયા છે.

ફટાકડા અને રસોઈ પર પ્રતિબંધ

સુરક્ષાને ધ્યાનમાં રાખીને પંડાલમાં ફટાકડા, સ્ટોલ અને રસોઈ કરવાની મંજૂરી રહેશે નહીં. દરેક પંડાલમાં બે ઇમરજન્સી એક્ઝિટ રાખવાના રહેશે. પંડાલ માટે શાળા અને હોસ્પિટલથી જરૂરી અંતર જાળવવું પડશે. ઇલેક્ટ્રિક વાયરિંગની તપાસ કરાવ્યા બાદ જ ઉજવણી કરવાની રહેશે અને આયોજકોએ સ્ટેમ્પ પેપર પર સોગંદનામું પણ આપવાનું રહેશે.

ભીડ માટે પણ નક્કી કરાઈ મર્યાદા

ફાયર સેફ્ટીની સાથે ભીડ નિયંત્રણને પણ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. પંડાલની ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ આપી શકાશે નહીં અને વ્યક્તિદીઠ 1 ચો.મી. જગ્યા મુજબ વ્યવસ્થા કરવાની રહેશે. ઉપરાંત ફાયર સેફ્ટીની જાણકારી ધરાવતા બે વ્યક્તિઓ પંડાલમાં હાજર રાખવાના રહેશે. ગણેશોત્સવ દરમિયાન આગ કે અન્ય ઇમરજન્સીની સ્થિતિમાં જાનમાલનું નુકસાન ટાળવા માટે આ નિયમો જાહેર કરાયા છે.