ત્રીજા દિવસે પણ વિરોધ યથાવત
ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને INDIA બ્લોકનું દિલ્હી આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું છે. ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી સાંસદો અને નેતાઓ સાથે લંચ બેઠક યોજી હતી. બેઠક બાદ વિપક્ષી નેતાઓ વિરોધ પ્રદર્શન માટે આગળ વધ્યા હતા.
રાહુલ ગાંધીનું મોટું નિવેદન
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર અને ચૂંટણી પંચ સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે લોકસભા અને રાજ્યસભાના લગભગ 300 સાંસદો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માંગે છે, પરંતુ તેમને પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છે.
‘કાર્યવાહી થશે, આ મારી ગેરંટી’
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, RSS વડા મોહન ભાગવત અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે, તેવી તેમની ગેરંટી છે. આ નિવેદન સાથે તેમણે ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી અંગે ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.
ખડગેનો પણ સરકાર પર પ્રહાર
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વિપક્ષી નેતાઓ ગાંધીજીના સ્મારક પર જઈને દેશહિત અને લોકશાહી માટે પ્રાર્થના કરશે. તેમણે સરકાર પર મતાધિકાર, લોકશાહી અધિકારો, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને આકરા સવાલો ઉઠાવ્યા હતા.
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ
INDIA બ્લોકનું આંદોલન મુખ્યત્વે SIR એટલે કે Special Intensive Revision અને ચૂંટણી પ્રક્રિયાને લઈને ઉઠાવવામાં આવેલા સવાલો પર કેન્દ્રિત છે. વિપક્ષ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યો છે અને આ મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની વાત કરી છે. બીજી તરફ ચૂંટણી પંચ અને સત્તાધારી પક્ષે વિપક્ષના આક્ષેપોને નકારી કાઢ્યા છે.

