કંડલા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી
મહેસૂલ ગુપ્તચર નિયામક (DRI)એ કંડલા પોર્ટ પર મોટી કાર્યવાહી કરીને પાકિસ્તાનથી UAE મારફતે ભારતમાં લાવવામાં આવી રહેલા આશરે 364 મેટ્રિક ટન સૂકા ખજૂર (ખારેક)ના 13 કન્ટેનર જપ્ત કર્યા છે. આ જથ્થાની અંદાજિત કિંમત લગભગ રૂ. 3 કરોડ હોવાનું જણાવાયું છે.
UAEના નામે છુપાવવામાં આવ્યો પાકિસ્તાની માલ
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દસ્તાવેજોમાં આ માલને UAEનો બતાવવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં તેનો મૂળ દેશ પાકિસ્તાન હતો. DRIના જણાવ્યા મુજબ, માલ પહેલા પાકિસ્તાનથી દુબઈ મોકલાયો હતો અને ત્યારબાદ કન્ટેનર બદલીને ભારત મોકલવામાં આવ્યો હતો. આ રીતે મૂળ દેશની માહિતી છુપાવીને પ્રતિબંધિત માલ ભારતમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ખોટા દસ્તાવેજોથી આયાતનો પ્રયાસ
DRIએ જણાવ્યું કે આયાત દરમિયાન ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને પાકિસ્તાની માલને અન્ય દેશનો દર્શાવવામાં આવ્યો હતો. સમગ્ર જથ્થો કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે અને હવે સમગ્ર નેટવર્કની તપાસ ચાલી રહી છે.
ગૂગળ રેઝિનનો કેસ પણ સામે આવ્યો હતો
DRIએ તાજેતરમાં જ લગભગ 14 મેટ્રિક ટન ગૂગળ રેઝિન પણ ઝડપ્યો હતો, જેની કિંમત અંદાજે રૂ. 1.4 કરોડ હતી. દસ્તાવેજોમાં તેને સોમાલિયાનો નેચરલ રેઝિન દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ તપાસમાં તેનો સંબંધ પણ પાકિસ્તાન સાથે હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાની માલ પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે 2 મે, 2025થી ભારત સરકારે પાકિસ્તાનમાં ઉત્પાદિત અથવા ત્યાંથી નિકાસ થતા તમામ માલની સીધી અથવા ત્રીજા દેશ મારફતે આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. DRIના જણાવ્યા મુજબ, હાલના બંને કેસોમાં આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

