નેપાળમાં જળપ્રલયથી હાહાકાર

નેપાળમાં બુધવારે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડે ચીન-તિબેટ સરહદ નજીકના રસુવા જિલ્લામાં ભારે તબાહી મચાવી છે. ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવતા મકાનો, રસ્તા, પુલો, બજારો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન થયું છે. નેપાળ ટુરિઝમ બોર્ડના પ્રાથમિક આંકડા મુજબ 384 પ્રવાસીઓ સંપર્કવિહોણા છે, જેમાં 105 ભારતીયોનો સમાવેશ થાય છે.

આંખના પલકારામાં તણાયા રસ્તા-મકાનો

રસુવાના તિમુરે અને સ્યાફ્રુબેસી સહિતના વિસ્તારોમાં પૂરના પાણી સાથે કાદવ અને કાટમાળનો વિશાળ પ્રવાહ આવ્યો હતો. અનેક વાહનો અને માળખાં તણાઈ ગયા છે. રસ્તાઓ અને પુલોને નુકસાન થતાં બચાવ કામગીરી પણ પડકારજનક બની છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેલા લોકોને નદીકાંઠાથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડવાની અપીલ કરવામાં આવી છે.

105 ભારતીયો સહિત 384 પ્રવાસીઓ ગુમ

નેપાળ ટુરિઝમ બોર્ડે ટ્રાવેલ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે 384 પ્રવાસીઓનું પ્રાથમિક લિસ્ટ તૈયાર કર્યું છે. તેમાં 291 વિદેશી અને 93 નેપાળી પ્રવાસીઓ છે. વિદેશી પ્રવાસીઓમાં સૌથી વધુ 105 ભારતીયોનો સમાવેશ થાય છે. 37 લોકો NRI તરીકે નોંધાયા છે. જોકે ટુરિઝમ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ આંકડા પ્રાથમિક છે અને ટ્રાવેલ એજન્સી, ગાઇડ, સ્થાનિક તંત્ર અને સુરક્ષા એજન્સીઓ સાથે ચકાસણી ચાલી રહી છે.

મૃત્યુઆંક વધવાની આશંકા, બચાવ કામગીરી તેજ

પૂરની ગંભીરતાને જોતા નેપાળી સેના, પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળને બચાવ કામગીરીમાં ઉતારવામાં આવ્યા છે. વિવિધ અહેવાલો અનુસાર ઓછામાં ઓછા 8થી 9 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો હજુ ગુમ છે. નેપાળી સેનાએ હેલિકોપ્ટર સહિતના સાધનો દ્વારા શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે.

પૂરનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી

પ્રારંભિક માહિતીમાં પૂરનું પાણી તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) જ કારણ હતું કે નહીં તે હજુ સત્તાવાર રીતે નિશ્ચિત થયું નથી. કેટલાક નિષ્ણાતો અને અહેવાલોમાં હિમપ્રપાત અથવા નદીના પ્રવાહમાં અચાનક અવરોધ બાદ આવેલા પાણીના ધસમસતા પ્રવાહની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભારત માટે પણ ચિંતા

ભોટેકોશી નદી આગળ જતાં ત્રિશૂલી નદી સાથે જોડાય છે અને તેનો પ્રવાહ ભારતમાં ગંડક નદી સાથે સંબંધિત છે. તેથી નેપાળના નીચાણવાળા વિસ્તારો ઉપરાંત ભારતના બિહાર સહિતના વિસ્તારોમાં પણ સતર્કતા વધારવામાં આવી છે. બચાવ કામગીરી વચ્ચે નદીકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.