સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હોસ્પિટલ ટ્રાન્સફર

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક ઇમરાન ખાનને અદિયાલા જેલમાંથી શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું PTIના પ્રવક્તા ઝુલ્ફી બુખારીએ પુષ્ટિ કરી છે.

હોસ્પિટલ બહાર કડક સુરક્ષા

ઇસ્લામાબાદ સ્થિત શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલની આસપાસ સેંકડો પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તરફ જતા રસ્તાઓ પર સામાન્ય નાગરિકોની અવરજવર પણ પ્રતિબંધિત કરવામાં આવી છે. હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા એટલી કડક બનાવાઈ છે કે તબીબી કર્મચારીઓના ફોન પણ લઈ લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મોટો નિર્ણય

ઇમરાન ખાનના વકીલોએ તેમની તબિયત ખરાબ હોવાનો ઉલ્લેખ કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારબાદ ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ઇમરાન ખાનને બે દિવસની અંદર હોસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે તેમની સારવાર માટે નિષ્ણાતોની પેનલ બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે. તેમની બહેન ડૉ. ઉઝમા ખાનને પણ સારવાર પ્રક્રિયામાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.

પરિવાર અને પુત્રો સાથે મુલાકાતની મંજૂરી

કોર્ટના આદેશ મુજબ ઇમરાન ખાનને અઠવાડિયામાં એક વખત પરિવારજનોને મળવાની અને અઠવાડિયામાં બે વખત તેમના પુત્રો સાથે ફોન પર વાત કરવાની મંજૂરી આપવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં પણ ઇમરાન ખાનને આંખની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના પરિવારે તે સમયે તેમની જમણી આંખની દ્રષ્ટિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

2018થી 2022 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન

73 વર્ષીય ઇમરાન ખાન 2018થી 2022 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન રહ્યા હતા. અવિશ્વાસ પ્રસ્તાવ બાદ તેઓ સત્તા પરથી દૂર થયા હતા. 2023માં ધરપકડ બાદથી તેઓ જેલમાં છે. ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચાર સહિતના કેસોમાં સજા થઈ છે, જ્યારે ઇમરાન ખાન સતત આ કેસોને રાજકીય રીતે પ્રેરિત ગણાવતા રહ્યા છે.