મુંબઈમાં CJPનું પ્રદર્શન
મુંબઈના શિવાજી પાર્ક ખાતે કોકરોચ જનતા પાર્ટી એટલે CJP દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કરવામાં આવેલું પ્રદર્શન પૂર્ણ થયું છે. 2 ઓક્ટોબરે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આંદોલનકારીઓએ ચૂંટણી યાદીમાં ચાલી રહેલી Special Intensive Revision એટલે કે SIR પ્રક્રિયા અને ચૂંટણી પંચની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા.
અભિજીત દીપકે શું કહ્યું?
CJPના સ્થાપક અને રાષ્ટ્રીય કન્વીનર અભિજીત દીપકેએ જણાવ્યું કે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે તેમનું આંદોલન ચાલુ રહેશે. તેમણે આગળના તબક્કામાં દિલ્હીના જંતર-મંતર સહિત અન્ય સ્થળોએ પણ આંદોલન કરવાની વાત કરી છે. CJPનું કહેવું છે કે SIR પ્રક્રિયા અને મતદાર યાદી સંબંધિત મુદ્દાઓને લઈને તેઓ પોતાની માગ ચાલુ રાખશે.
ફિલ્મી હસ્તીઓ પણ જોડાઈ
મુંબઈના પ્રદર્શનમાં નસીરુદ્દીન શાહ, શબાના આઝમી અને વિશાલ દદલાની સહિત કેટલીક જાણીતી હસ્તીઓની હાજરી જોવા મળી હતી. નસીરુદ્દીન શાહે અભિજીત દીપકે સાથે મુલાકાત કરી હતી, જ્યારે વિશાલ દદલાનીએ પણ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને અન્ય લોકો પણ જોડાયા હતા.
દિલ્હીમાં પણ વિરોધ અને અટકાયત
મુંબઈ સાથે દિલ્હીમાં પણ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને વિરોધ પ્રદર્શન થયું. જંતર-મંતર તરફ જવાનો પ્રયાસ કરી રહેલા 500થી વધુ લોકોને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા, જેમાં AAP નેતાઓ અને વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરોનો પણ સમાવેશ થતો હતો. પોલીસ દ્વારા અગાઉ પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવી ન હતી અને સેન્ટ્રલ દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી હતી.
CJPની મુખ્ય માગ શું છે?
CJP દ્વારા જ્ઞાનેશ કુમારના રાજીનામા ઉપરાંત મતદાર યાદી સંબંધિત પ્રક્રિયા પર રોક અને આગામી ચૂંટણી કમિશનરની નિમણૂકમાં સિવિલ સોસાયટીની ભાગીદારી સહિતની માગો રજૂ કરવામાં આવી છે. બીજી તરફ ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી સંબંધિત ગેરરીતિના આરોપોને નકારી કાઢ્યા છે. CJP હવે આ મુદ્દાને લઈને આગળના તબક્કામાં વધુ કાર્યક્રમો કરવાની જાહેરાત કરી રહ્યું છે.

