સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ સ્પષ્ટતા
સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 294ને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ કાયદાકીય રીતે અશ્લીલતાનો ગુનો નથી. અશ્લીલતા સાબિત કરવા માટે શબ્દોમાં કામુકતા હોવી અને તેનાથી લોકોના મન પર ખરાબ અસર થતી હોવી જરૂરી છે.
તમિલનાડુના વૃદ્ધને આંશિક રાહત
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે તમિલનાડુના 70 વર્ષીય વ્યક્તિની અપીલ પર આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે IPCની કલમ 294(બી) અને 506(2) હેઠળની સજા રદ કરી, પરંતુ જોખમી હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડવાના ગુના માટે કલમ 326 હેઠળની સજા યથાવત રાખી.
અશ્લીલતા માટે કોર્ટની બે શરતો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે IPC કલમ 294 લાગુ કરવા માટે બે બાબતો સાબિત થવી જરૂરી છે. પ્રથમ, જાહેર સ્થળે અથવા તેની આસપાસ અશ્લીલ શબ્દો બોલાયા હોવા જોઈએ, અને બીજું, તેના કારણે જાહેરમાં અન્ય લોકોને પરેશાની થઈ હોવી જોઈએ. માત્ર અપશબ્દો કે ગાળાગાળીથી આ કલમ લાગુ પડતી નથી.
અશ્લીલતા અને અપશબ્દોમાં તફાવત
કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગાળો, અપશબ્દો અથવા અભદ્ર ભાષા અને કાયદાકીય અશ્લીલતા એક જેવી બાબત નથી. જો શબ્દો માત્ર અપમાનજનક હોય પરંતુ કામુક ન હોય અથવા કામુક લાગણીઓને ભડકાવતા ન હોય તો IPC કલમ 294 હેઠળ તેને અશ્લીલતા ગણાવી શકાય નહીં.
જાહેર પરેશાનીનો પુરાવો જરૂરી
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે આ કેસમાં એવો કોઈ પુરાવો રજૂ થયો નહોતો કે ફરિયાદીના જણાવ્યા મુજબ બોલાયેલા શબ્દોથી જાહેરમાં અન્ય લોકોને પરેશાની થઈ હતી. તેથી IPC કલમ 294 હેઠળની સજા ટકી શકી નહીં.

