કુક્કસવાડા ગામે સર્જાઈ ઘટના

જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના કુક્કસવાડા ગામે એક ખુલ્લા કૂવામાં અંદાજે એકથી બે વર્ષની સિંહણ ખાબકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી.

પડકારજનક રહ્યું રેસ્ક્યુ ઓપરેશન

વન વિભાગે જરૂરી સાધનો અને વિશેષ તકેદારી સાથે લાંબી જહેમત બાદ સિંહણને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન ટીમે સિંહણને કોઈ ગંભીર ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું.

સારવાર બાદ સાસણથી ફરી જંગલમાં મુક્ત

રેસ્ક્યુ બાદ સિંહણને સાસણ સ્થિત સીમાર રેસ્ક્યુ સેન્ટર ખાતે સારવાર અને નિરીક્ષણ માટે ખસેડવામાં આવી હતી. પશુચિકિત્સકોની દેખરેખ હેઠળ સારવાર પૂર્ણ થયા બાદ તે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું નિશ્ચિત થતાં તેને ફરી તેના કુદરતી નિવાસસ્થાનમાં તેના જૂથ સાથે મુક્ત કરવામાં આવી હતી.

વન વિભાગની મહત્વની અપીલ

વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જંગલ વિસ્તાર અથવા વન્યજીવો દેખાય તો તેમની નજીક જવાનો પ્રયાસ ન કરે. આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જોઈએ, જેથી સમયસર રેસ્ક્યુ કામગીરી હાથ ધરી શકાય.