જાહેરાતથી શરૂ થયો વિવાદ
કૃતિ સેનનની રક્ષાબંધન સ્પેશિયલ જ્વેલરી જાહેરાત હવે બોલિવૂડથી આગળ વધીને રાજકીય ચર્ચાનો વિષય બની છે. જાહેરાતમાં કૃતિના પહેરવેશ અને નેકલાઇનને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રણોતે પણ જાહેરાતના લુક પર ટીકા કરી હતી. મામલો વધુ ગરમાયો જ્યારે રાહુલ ગાંધી કૃતિના સમર્થનમાં ઉતર્યા.
રાહુલ ગાંધી કૃતિના સમર્થનમાં
વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ કૃતિ સેનનની પોસ્ટ શેર કરીને મહિલાની પોતાની પસંદગીના અધિકારનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે મહિલા શું પહેરે, શું કરે અને ક્યાં જાય તે તેની પોતાની પસંદગી છે અને મહિલાઓને પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરવા બદલ ટ્રોલ કરવાનું બંધ કરવું જોઈએ. રાહુલ ગાંધીએ આ સાથે #SmashThePatriarchy હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.
કૃતિએ પણ આપ્યો જવાબ
કૃતિ સેનને પણ વિવાદ અંગે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે તહેવારનો સાર માત્ર પહેરવેશમાં નહીં, પરંતુ પરંપરા પ્રત્યેની લાગણી અને તેના અર્થમાં છે. કૃતિએ એ પણ સવાલ કર્યો હતો કે મહિલાના કપડાં પરથી તેની સંસ્કૃતિ અને સન્માન કેમ નક્કી કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ, સંસ્કૃતિ અને પરંપરા હૃદયમાં હોય છે, માત્ર નેકલાઇનમાં નહીં.
કંગનાનો રાહુલ પર કટાક્ષ
રાહુલ ગાંધીના સમર્થન બાદ કંગના રણોતે સોશિયલ મીડિયા પર પલટવાર કર્યો. કંગનાએ રાહુલના ‘Smash the Patriarchy’ સંદેશ પર કટાક્ષ કરતાં BJPના એક પોસ્ટને પોતાની Instagram Story પર શેર કરી અને લખ્યું, “Bro, wait. Bharat Mata ki Jay. Shuru karte hain.” આ રીતે કૃતિના પહેરવેશથી શરૂ થયેલો વિવાદ હવે રાહુલ ગાંધી અને કંગના વચ્ચેના રાજકીય શાબ્દિક યુદ્ધમાં ફેરવાયો છે.
ભાજપ પણ મેદાનમાં ઉતર્યું
આ વિવાદમાં ભાજપે પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપે સવાલ ઉઠાવ્યો કે મહિલાની પસંદગી અને સ્વતંત્રતા અંગે રાહુલ ગાંધીનું વલણ દરેક પરિસ્થિતિમાં એકસરખું છે કે નહીં. બીજી તરફ, આ સમગ્ર મુદ્દો મહિલાની વ્યક્તિગત પસંદગી, તહેવારની પરંપરા અને જાહેર જીવનમાં સાંસ્કૃતિક મૂલ્યો વચ્ચેની ચર્ચા બની ગયો છે.
જાહેરાત પણ હટાવી લેવાઈ
દરમિયાન વિવાદ વધતા જ્વેલરી બ્રાન્ડ GIVAએ જાહેરાત પાછી ખેંચી લીધી છે. કંપનીએ જણાવ્યું કે જાહેરાતથી સમાજના કેટલાક વર્ગોની લાગણી દુભાઈ હોય તો તેનો ઇરાદો એવો નહોતો અને ભારતીય સંસ્કૃતિ, પરંપરા તથા તહેવારો પ્રત્યેના સન્માનને ધ્યાનમાં રાખીને જાહેરાત હટાવવામાં આવી છે

