પુલના નિરીક્ષણ દરમિયાન સર્જાયો વિવાદ
જુનાગઢ જિલ્લાના માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા એક નવા વિવાદમાં સપડાયા છે. માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામે પુલના નિરીક્ષણ દરમિયાન ખેડૂતો અને સ્થાનિકો સાથે થયેલી બોલાચાલીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કેટલાક ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરે ધારાસભ્ય પર અપશબ્દો બોલવાનો અને સત્તાનો રૂઆબ બતાવવાનો આરોપ લગાવ્યો છે.
ખેડૂતોનો શું છે આરોપ?
આક્ષેપ મુજબ, સમસ્યાની રજૂઆત કરવા આવેલા ખેડૂતો સાથે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ ઉગ્ર ભાષામાં વાત કરી હતી. ખેડૂતોનો દાવો છે કે ધારાસભ્યએ પોતાનું પદ દર્શાવી તેમને અપમાનજનક શબ્દો કહ્યા, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
ધારાસભ્યે આપ્યો પોતાનો જવાબ
આ સમગ્ર મામલે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓએ કોઈ ખેડૂતને અપશબ્દો કહ્યા નથી. તેમના જણાવ્યા અનુસાર, સ્થળ પર એક આમ આદમી પાર્ટીના કાર્યકર સાથે ગેરકાયદેસર પુલ તોડવાના મુદ્દે સામાન્ય બોલાચાલી થઈ હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે જે શબ્દોનો ઉપયોગ થયો હતો તે સ્થાનિક બોલચાલનો ભાગ છે અને કોઈને ગાળ આપવાનો આશય નહોતો.
પ્રશાસનની હાજરીમાં થયું નિરીક્ષણ
ધારાસભ્યના જણાવ્યા મુજબ, કલેક્ટરના આદેશ બાદ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલ આ મામલે બંને પક્ષના દાવા સામે આવ્યા છે અને ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે.

