PM મોદીએ શિક્ષકને પૂછ્યો અનોખો સવાલ
શિક્ષક દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ ટીચર્સ એવોર્ડ વિજેતા શિક્ષકો સાથે ખાસ સંવાદ કર્યો હતો. આ દરમિયાન શિક્ષણ, બાળકોની પ્રતિભા અને તેમના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા થઈ. વાતચીત દરમિયાન PM મોદીએ એક શિક્ષકને જ પોતાના પબ્લિક સ્પીકિંગને વધુ સારું બનાવવા માટે ટિપ્સ માગી, જેના જવાબથી વાતાવરણ હળવું અને રસપ્રદ બની ગયું.
‘હું તમારો વિદ્યાર્થી હોત તો શું ટિપ્સ આપતા?’
સંવાદ દરમિયાન PM મોદીએ મહિલા શિક્ષકને પૂછ્યું કે, “જો હું તમારો વિદ્યાર્થી હોત અને એક કુશળ વક્તા બનવા માંગતો હોત, તો તમે મને શું ટિપ્સ આપતા? મારે શું કરવું જોઈએ?” શિક્ષકે જવાબ આપતા કહ્યું કે સારા વક્તા બનવા માટે સૌથી પહેલા આત્મવિશ્વાસ જરૂરી છે અને આત્મવિશ્વાસ સતત અભ્યાસથી આવે છે.
‘તમારી આભા જોઈને હું પોતે નર્વસ થઈ ગઈ’
શિક્ષકે વધુમાં કહ્યું કે આત્મવિશ્વાસ માટે ખૂબ અભ્યાસ અને સતત પ્રેક્ટિસ જરૂરી છે. જોકે, PM મોદીની સામે આ સલાહ આપતી વખતે શિક્ષકે હળવા અંદાજમાં સ્વીકાર્યું કે તેઓ પોતે પણ થોડા નર્વસ હતા. તેમણે કહ્યું કે “તમારી આભા જોઈને હું પોતે થોડી નર્વસ થઈ ગઈ હતી.” આ વાત સાંભળીને PM મોદીએ પણ હળવી મજાક કરી અને સંવાદ વધુ રસપ્રદ બની ગયો.
PM મોદીએ બાળપણ જાળવવાની વાત કરી
આ સંવાદ દરમિયાન PM મોદીએ શિક્ષકોને બાળકોની અંદર રહેલી પ્રતિભા ઓળખવા અને શિક્ષણને માત્ર પુસ્તકો તથા સિલેબસ સુધી મર્યાદિત ન રાખવા અપીલ કરી. તેમણે કહ્યું કે શિક્ષકોએ બાળકોના જીવન સાથે જોડાવું અને તેમનું બાળપણ જાળવી રાખવું જોઈએ. PM મોદીએ વાસ્તવિક જીવનના કૌશલ્યો, સર્જનાત્મકતા અને જિજ્ઞાસાને શિક્ષણનો મહત્વનો ભાગ બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર
આ વર્ષે નેશનલ ટીચર્સ એવોર્ડ માટે કુલ 82 શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં સ્કૂલ એજ્યુકેશન અને લિટરસી વિભાગના 48 શિક્ષકો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને પોલિટેકનિકના 21 શિક્ષકો તથા સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલયના 13 સ્કિલ ટ્રેનર્સનો સમાવેશ થાય છે.

