ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટો સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે મુકુલ વાસનિકના સ્થાને રાજ્યસભા સાંસદ રણદીપસિંહ સુરજેવાલાને ગુજરાત કોંગ્રેસના નવા મહાસચિવ પ્રભારી તરીકે જવાબદારી સોંપી છે. સુરજેવાલાને ગુજરાતની સાથે કર્ણાટકની પણ વધારાની જવાબદારી આપવામાં આવી છે.
મુકુલ વાસનિકની જગ્યાએ સુરજેવાલા
ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલવાની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. મળતી માહિતી મુજબ, મુકુલ વાસનિકે પોતાની જવાબદારીમાંથી મુક્ત કરવા હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને ધ્યાનમાં રાખીને હવે તેમને ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, મુકુલ વાસનિક AICCના મહાસચિવ તરીકે યથાવત રહેશે.
છ રાજ્યોમાં પણ સંગઠનાત્મક ફેરફાર
કોંગ્રેસે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ સંગઠનાત્મક ફેરફારો કર્યા છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આસામની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સચિન પાયલોટને પંજાબના નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ફેરફાર એવા સમયે થયો છે જ્યારે પંજાબ કોંગ્રેસમાં આંતરિક મતભેદ અને જૂથવાદની ચર્ચા ચાલી રહી હતી.
અન્ય રાજ્યોમાં પણ નવી નિમણૂકો
કોંગ્રેસની સંગઠનાત્મક યાદી અનુસાર સુખદેવ ભગતને છત્તીસગઢના નવા પ્રભારી બનાવાયા છે. જ્યારે ડૉ. સિરિવેલ્લા પ્રસાદને મહારાષ્ટ્ર અને પી.વી. મોહનને આંધ્રપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર આ તમામ નિમણૂકો પાર્ટી અધ્યક્ષની મંજૂરી બાદ તાત્કાલિક અસરથી અમલમાં આવી છે.
ગુજરાત ચૂંટણી માટે મહત્વપૂર્ણ જવાબદારી
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરજેવાલાની નિમણૂક કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિર્ણય માનવામાં આવી રહી છે. હવે ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવું, કાર્યકરોને એકજૂથ કરવા અને ચૂંટણીની તૈયારીઓને વેગ આપવાની જવાબદારી સુરજેવાલા પર રહેશે.

