જન્માષ્ટમી પર ભક્તો માટે રેલવેની ખાસ સુવિધા
જન્માષ્ટમી પર્વ દરમિયાન દ્વારકાધામમાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ગાંધીનગર કેપિટલ અને દ્વારકા વચ્ચે અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09521/09522નું સંચાલન 3, 4 અને 5 સપ્ટેમ્બર 2026 દરમિયાન બંને દિશામાં થશે અને કુલ 6 ફેરા કરવામાં આવશે.
રાત્રે ગાંધીનગરથી ઉપડશે ટ્રેન
ટ્રેન નંબર 09521 ગાંધીનગર કેપિટલથી રાત્રે 8 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 5:50 વાગ્યે દ્વારકા પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 09522 દ્વારકાથી સવારે 6:50 વાગ્યે ઉપડશે અને સાંજે 5 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે.
અમદાવાદથી સૌરાષ્ટ્ર સુધી અનેક સ્ટોપેજ
આ સ્પેશિયલ ટ્રેન ચાંદલોડિયા બી, આંબલી રોડ, વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સહિતના સ્ટેશનો પર રોકાશે. જેના કારણે અમદાવાદ-ગાંધીનગર સહિતના માર્ગ પરના મુસાફરોને દ્વારકા પહોંચવામાં વધારાની સુવિધા મળશે.
તમામ કોચ જનરલ કેટેગરીના રહેશે
પશ્ચિમ રેલવે અનુસાર આ ટ્રેનના તમામ કોચ જનરલ કેટેગરીના અનારક્ષિત રહેશે. એટલે મુસાફરો માટે અગાઉથી સીટ રિઝર્વ કરાવવાની જરૂર નહીં પડે અને અનારક્ષિત ટિકિટ સાથે મુસાફરી કરી શકાશે.
ત્રણ દિવસમાં છ ફેરા
3, 4 અને 5 સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગરથી દ્વારકા અને દ્વારકાથી ગાંધીનગર બંને દિશામાં ત્રણ-ત્રણ ફેરા કરવામાં આવશે. જન્માષ્ટમી દરમિયાન દ્વારકાધીશના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે.

