હોર્મુઝમાં વધ્યો યુદ્ધનો ખતરો
મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના બે ઓઈલ ટેન્કરો પર ઈરાને ક્રૂઝ મિસાઈલ હુમલો કર્યો હોવાનું UAEના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે. હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું છે જ્યારે આઠ ક્રૂ સભ્યો ઘાયલ થયા છે.
બે ટેન્કરોને બનાવ્યા નિશાન
UAEના જણાવ્યા મુજબ ઓમાનની સમુદ્રી સીમા નજીક દક્ષિણ શિપિંગ લેનમાંથી પસાર થઈ રહેલા 'મોમ્બાસા' અને 'અલ બહિયા' નામના તેલ ટેન્કરો પર બે ક્રૂઝ મિસાઈલ છોડવામાં આવી હતી. હુમલા બાદ બંને જહાજોમાં આગ લાગી હતી. આગને બાદમાં કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ બંને જહાજોને નોંધપાત્ર નુકસાન થયું છે.
ભારતીય સહિત અનેક લોકો ઘાયલ
આ હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું છે. ઉપરાંત છ ભારતીય અને બે યુક્રેનિયન નાગરિકો સહિત કુલ આઠ લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ ઘાયલોમાંથી ચારની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
UAEનો કડક વિરોધ
UAEના વિદેશ મંત્રાલયે આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણાવી તેની કડક નિંદા કરી છે. સાથે જ ભારત સરકાર અને મૃતક ભારતીયના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. UAEએ હોર્મુઝ સ્ટ્રેટને કોઈપણ શરત વિના ફરીથી સંપૂર્ણપણે ખુલ્લો મૂકવાની માંગ કરી છે.

અમેરિકા-ઈરાન તણાવ વધુ વધ્યો
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે હોર્મુઝ જળમાર્ગને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલેથી જ ભારે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાએ ઈરાની બંદરો તરફ જતાં અને ત્યાંથી નીકળતાં જહાજો પર ફરીથી સમુદ્રી નાકાબંધી શરૂ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં સુરક્ષા અને વૈશ્વિક તેલ પુરવઠાને લઈને ચિંતા વધી છે.
નોંધ: ઉપરોક્ત અહેવાલ UAEના સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના સત્તાવાર દાવાઓ પર આધારિત છે

