લો-પ્રેશરની અસરથી વરસાદનું જોર વધશે
દેશના અનેક ભાગોમાં ફરી એકવાર ભારે વરસાદનો માહોલ બનવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઝારખંડ અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા લો-પ્રેશરની અસરથી 26થી 31 ઑગસ્ટ દરમિયાન ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં વરસાદનું જોર વધશે. આ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં તેજ પવનની પણ શક્યતા છે.
ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ
ઉત્તરાખંડમાં 26 ઑગસ્ટે ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ 27થી 29 ઑગસ્ટ દરમિયાન છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે અને 30-31 ઑગસ્ટે ફરી વ્યાપક વરસાદનું અનુમાન છે.
પૂર્વી ઉત્તર પ્રદેશમાં 26 અને 27 ઑગસ્ટે ભારે વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં પણ 26 ઑગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
MP, છત્તીસગઢ અને ઝારખંડમાં પણ વરસાદનું જોર
પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 26 અને 27 ઑગસ્ટે ભારે વરસાદની આગાહી છે. પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 26થી 29 ઑગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. વિદર્ભમાં પણ 26થી 28 ઑગસ્ટ દરમિયાન સારો વરસાદ થઈ શકે છે.
ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં 26થી 29 ઑગસ્ટ દરમિયાન ભારે વરસાદ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ઓડિશા અને પૂર્વોત્તરમાં અતિભારે વરસાદની ચેતવણી
ઓડિશામાં 28થી 30 ઑગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 26થી 31 ઑગસ્ટ દરમિયાન વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ 26થી 31 ઑગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદ થઈ શકે છે. ખાસ કરીને 29 અને 30 ઑગસ્ટે ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
ગુજરાત માટે આગામી દિવસોમાં અન્ય કેટલાક રાજ્યોની સરખામણીએ વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં 26થી 31 ઑગસ્ટ દરમિયાન હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે.
અર્થાત્ હાલની માહિતી પ્રમાણે ગુજરાત માટે વ્યાપક ભારે વરસાદની આગાહી કરતાં છૂટોછવાયો વરસાદ વધુ શક્ય છે.
દરિયો તોફાની રહેવાની શક્યતા
હવામાન વિભાગે દરિયાઈ વિસ્તારો માટે પણ સાવચેતી સૂચવી છે. અરબી સમુદ્રમાં સોમાલિયા અને ઓમાન કાંઠા નજીક 30 ઑગસ્ટ સુધી તેમજ કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપ કાંઠે 27 ઑગસ્ટ સુધી દરિયો તોફાની રહેવાની શક્યતા છે.
બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં પણ દરિયો તોફાની રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
MP-UPમાં પૂરનું જોખમ
ભારે વરસાદની આગાહીને પગલે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અચાનક પૂર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ પણ દર્શાવવામાં આવ્યું છે.
પૂર્વ મધ્ય પ્રદેશના રીવા, સતના, છતરપુર, ટીકમગઢ અને પન્ના સહિતના વિસ્તારો ઉપરાંત પશ્ચિમ મધ્ય પ્રદેશના ભિંડ અને દતિયામાં અચાનક પૂરનું મધ્યમ જોખમ દર્શાવવામાં આવ્યું છે.
ખેડૂતો માટે પણ ખાસ સલાહ
ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઓડિશાના ખેડૂતોને ખેતરોમાંથી વધારાનું પાણી બહાર કાઢવાની સલાહ આપવામાં આવી છે.
વરસાદ અને જમીનની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ખાતર નાખવાનું કે દવાનો છંટકાવ કરવાનું ટાળવા જણાવાયું છે. તેજ પવનની શક્યતા હોવાથી બાગાયતી પાક અને વેલાવાળા શાકભાજીને યોગ્ય ટેકો આપવા તથા પશુધનને સુરક્ષિત શેડમાં રાખવાની સલાહ પણ આપવામાં આવી છે.

