અમદાવાદ સાયબર ક્રાઇમનો મોટો પર્દાફાશ
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો મોટો પર્દાફાશ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં પશ્ચિમ બંગાળથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા સાયબર ઠગોને OTP સપ્લાય કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. આ નેટવર્ક પાકિસ્તાન સાથે જોડાયેલા સાયબર ઠગો સુધી પણ પહોંચતું હોવાની તપાસમાં વિગતો સામે આવી છે.
21 હજારથી વધુ OTP વેચ્યાનો ખુલાસો
પોલીસ તપાસ મુજબ ઇમરાન અલી પિયાદા અને ઇન્ઝામુલ મૌલા નામના આરોપીઓ છેલ્લા કેટલાક વર્ષોથી OTP આધારિત ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા. તપાસમાં 21 હજારથી વધુ OTP વેચવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. OTPના બદલામાં આરોપીઓ કમિશન મેળવતા હોવાનું સામે આવ્યું છે.
બોગસ SIM કાર્ડથી OTPનો ખેલ
આ રેકેટમાં બોગસ SIM કાર્ડનો ઉપયોગ મહત્વની કડી હોવાનું સામે આવ્યું છે. તપાસ મુજબ ગ્રાહકોના બાયોમેટ્રિક ડેટાનો દુરુપયોગ કરીને તેમના નામે SIM એક્ટિવ કરવામાં આવતા હતા. ત્યારબાદ આ SIMનો ઉપયોગ વિવિધ સાયબર છેતરપિંડીમાં જરૂરી OTP મેળવવા માટે થતો હતો.
પોલીસ તપાસમાં આશરે 4,500 બોગસ SIM કાર્ડના ઉપયોગની વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે. WhatsApp એક્ટિવેશન માટે પણ OTP વેચવામાં આવતા હતા. આ રીતે ગેંગે લાખો રૂપિયાની કમાણી કરી હોવાનો ખુલાસો થયો છે.
26 રાજ્યોની 251 ફરિયાદો સાથે કનેક્શન
આ રેકેટની તપાસમાં તેનું નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત ન હોવાનું સામે આવ્યું છે. 26 રાજ્યોમાંથી 251 જેટલી સાયબર ફરિયાદો સાથે આ નેટવર્કની કડી હોવાની માહિતી સામે આવી છે. જેના કારણે અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો છે.
વિદેશથી ચાલતું સાયબર નેટવર્ક
તપાસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન પણ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સાયબર ઠગાઈ માટે ઉપયોગમાં લેવાતા માળખામાં વિદેશમાં બેઠેલા લોકો અને પાકિસ્તાન સાથે જોડાયેલા ઠગોનો સમાવેશ થતો હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે. માલવેર, ડમી SIM અને OTP જેવા અલગ-અલગ માધ્યમોનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડીનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે.
આ કેસે ફરી એકવાર સાબિત કર્યું છે કે એક OTP પાછળ આખું આંતરરાષ્ટ્રીય સાયબર નેટવર્ક કામ કરી શકે છે. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા હવે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ કરવામાં આવી રહી છે.

