સાણંદ મંદિર ચોરીનો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ જિલ્લાના સાણંદ બાયપાસ રોડ પર આવેલા ઉમિયાધામ મંદિરમાં થયેલી ચાંદીના છત્તર અને મૂર્તિની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવેલી વિગતો પોલીસને પણ ચોંકાવી દે તેવી છે.

ઈન્સ્ટાગ્રામથી પ્લાન, ગૂગલ મેપથી રેકી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગના સભ્યોએ ઈન્સ્ટાગ્રામ પરથી ચોરી કરવાનો વિચાર મેળવ્યો હતો. ત્યારબાદ ગૂગલ મેપની મદદથી મંદિરની રેકી કરી અને ચોરી બાદ ભાગી છૂટવાનો રૂટ પણ અગાઉથી નક્કી કર્યો હતો. પોલીસ લોકેશન ટ્રેસ ન કરી શકે તે માટે આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન ઘટનાસ્થળથી દૂર બ્રિજ નીચે મૂકી દીધા હતા.

ન પકડાય તો મંદિરને દાન કરવાની માનતા

આ ગેંગની સૌથી અનોખી વાત એ સામે આવી કે આરોપીઓએ માનતા રાખી હતી કે જો ચોરી બાદ 10 દિવસ સુધી પોલીસ તેમને પકડી નહીં શકે તો રાજસ્થાનના એક મંદિરમાં ₹10 હજારનું દાન કરશે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ બાદમાં મંદિરમાં જઈ દાન પણ કર્યું હતું.

ટેક્નિકલ તપાસથી ખુલ્યો ભેદ

પોલીસે ટેક્નિકલ એનાલિસિસના આધારે પ્રથમ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. તેના મોબાઈલમાંથી મળેલા ફોટા અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે બાકીના ચાર આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે ચોરાયેલો મુદ્દામાલ ખરીદનાર સોની વેપારીની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરી છે.