₹40 કરોડની ગ્રાન્ટને લઈ વિવાદ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ (PMJVK) હેઠળ યુનિવર્સિટીને મળેલી ગ્રાન્ટના ઉપયોગમાં કથિત નાણાકીય ગેરરીતિ અને હોદ્દાના દુરુપયોગના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આક્ષેપોમાં પોતાને જ પ્રોજેક્ટના Principal Investigator (PI) તરીકે નિયુક્ત કરવા અને ગ્રાન્ટની રકમના ઉપયોગને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

પોતાને જ PI બનાવ્યાનો આક્ષેપ

આક્ષેપ મુજબ, નીરજા ગુપ્તા કુલપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન PMJVK પ્રોજેક્ટના PI તરીકે પોતાની જ નિમણૂક કરી હતી. આ અંગેનો નિમણૂક પત્ર સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આ દાવો દસ્તાવેજોથી સાબિત થાય તો એક જ વ્યક્તિ દ્વારા પોતાના જ નામે આવી નિમણૂક કરવામાં આવી હોવા અંગે નિયમો અને પારદર્શિતાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ શકે છે.

₹9.84 લાખના ટ્રાન્સફરનો દાવો

મામલામાં સૌથી ગંભીર આક્ષેપ ₹9.84 લાખના ટ્રાન્સફરને લઈને છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે PMJVK ગ્રાન્ટમાંથી આ રકમ નીરજા ગુપ્તાના દીકરાના વિદેશસ્થિત બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ વ્યવહાર અંગે દસ્તાવેજી પુરાવા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ ટ્રાન્ઝેક્શનનો હેતુ શું હતો અને તે ગ્રાન્ટના નિયમો હેઠળ માન્ય હતો કે નહીં, તે સત્તાવાર તપાસનો વિષય બની શકે છે.

કુલપતિના પગાર ઉપરાંત મહેનતાણાનો આક્ષેપ

આ સાથે નીરજા ગુપ્તાએ કુલપતિ તરીકેના પગાર ઉપરાંત PI તરીકે આશરે ₹4 લાખનું મહેનતાણું મેળવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. એક જ સમયગાળામાં બે ભૂમિકાઓમાંથી નાણાકીય લાભ મેળવવાના આ દાવાને લઈને પણ પારદર્શિતા અને નિયમોની પાલન અંગે સવાલો ઉઠી રહ્યા છે.

સિન્ડિકેટ બેઠકમાં શું થયું?

મળતી માહિતી મુજબ, PMJVK હેઠળ ગુજરાત યુનિવર્સિટીને જૈન સમાજની હસ્તપ્રતોના વર્ગીકરણ, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ જેવા કામો માટે આશરે ₹40 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. દાવા મુજબ ગ્રાન્ટ ફાળવણી બાદ યોજાયેલી સિન્ડિકેટ બેઠકમાં 17માંથી 15 સભ્યો હાજર રહ્યા હતા અને પ્રોજેક્ટ માટે PIની ભૂમિકા નક્કી કરવામાં આવી હતી.

હવે સત્તાવાર તપાસની માંગ?

આ સમગ્ર મામલામાં ગ્રાન્ટની રકમ કયા હેતુ માટે અને કઈ પ્રક્રિયા હેઠળ વપરાઈ, PIની નિમણૂક કેવી રીતે થઈ અને ₹9.84 લાખના કથિત ટ્રાન્સફરનું કારણ શું હતું જેવા સવાલો મહત્વના બની રહ્યા છે. જોકે, આ તમામ મુદ્દાઓ હાલ આક્ષેપો અને દાવાઓના સ્તરે છે. તેની સત્યતા અંગે સત્તાવાર તપાસ અથવા સંબંધિત સત્તાધિકારીઓના નિવેદન બાદ જ અંતિમ નિષ્કર્ષ પર પહોંચી શકાય.