Gen Z ખરેખર ધર્મથી દૂર છે?
ટેકનોલોજી, સોશિયલ મીડિયા અને આધુનિક વિચારો વચ્ચે ઉછરેલી Gen Z પેઢી આધ્યાત્મિકતા અને ધર્મથી દૂર થઈ રહી છે એવી માન્યતા છે. જોકે વાપીમાં યોજાયેલા એક અનોખા કાર્યક્રમમાં આ જ સવાલ પર અલગ દૃષ્ટિકોણ સામે આવ્યો. સ્પંદન સંસ્થા દ્વારા આયોજિત ‘મોન્ક એન્ડ સાયન્સ’ કાર્યક્રમમાં યુવાનોની વિચારસરણી, જિજ્ઞાસા અને આધ્યાત્મિકતા વચ્ચેના સંબંધ અંગે ચર્ચા કરવામાં આવી.
સવાલ કરવો અશ્રદ્ધા નથી
કાર્યક્રમમાં સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી અને વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ જણાવ્યું કે યુવાનો ધર્મ અને પરંપરા અંગે સવાલ કરે તેને અશ્રદ્ધા તરીકે જોવાની જરૂર નથી. સવાલો જ ઊંડી સમજણ અને સાચી શ્રદ્ધા તરફ લઈ જઈ શકે છે.
ઉપદેશ નહીં, લોજિકલ સંવાદની જરૂર
વક્તાઓએ ભાર મૂક્યો કે આજના યુવાનો માત્ર પરંપરાના નામે કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી. તેઓ તર્ક, પ્રશ્નો અને પોતાના અનુભવના આધારે કોઈ વિચારને સમજવા માંગે છે. તેથી આધ્યાત્મિકતાને જડ નિયમો કે ઉપદેશના બદલે વિજ્ઞાન, તર્ક અને માનસશાસ્ત્ર સાથે જોડીને સમજાવવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી.
આધ્યાત્મિકતા એટલે સેલ્ફ ગ્રોથ?
કાર્યક્રમમાં એવી દિશા પર પણ ચર્ચા થઈ કે આધ્યાત્મિકતાને જો વ્યક્તિના આંતરિક વિકાસ અને માનસિક શાંતિ સાથે જોડીને સમજાવવામાં આવે તો તે યુવાનો માટે વધુ પ્રાસંગિક બની શકે છે. ‘સાઇન્સ + સાયકોલોજી’ના દૃષ્ટિકોણથી આધ્યાત્મિક વિચારોને સમજાવવાથી નવી પેઢી સાથે વધુ અસરકારક સંવાદ થઈ શકે છે, એવો મત વ્યક્ત થયો.
પરિવારથી શરૂ થવી જોઈએ સમજણ
મહાનુભાવોએ જણાવ્યું કે નવી પેઢીની જિજ્ઞાસાને યોગ્ય દિશા આપવાની જવાબદારી માત્ર સંસ્થાઓની નહીં, પરંતુ પરિવાર અને સમાજની પણ છે. ટેકનોલોજી સાથે ભારતીય સંસ્કૃતિ અને વેદાંતનું જ્ઞાન જોડાય તો વિચારશીલ અને મૂલ્યનિષ્ઠ યુવા પેઢીના નિર્માણમાં મદદ મળી શકે છે.

