કંગના રનૌતના નિવેદનથી નવો વિવાદ
ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવી છે. લખનૌના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ તેમના વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે અને FIR નોંધવાની માંગ કરી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંગનાએ 'Gen Z' યુવાનો અને વિદ્યાર્થીઓ અંગે અપમાનજનક ટિપ્પણી કરી છે.
'ગટર જનરેશન' કહેવાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, નવી દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા પ્રદર્શન અંગે કંગનાએ જાહેર નિવેદન દરમિયાન પ્રદર્શનમાં સામેલ યુવાનો અને મહિલાઓને કથિત રીતે 'ગટર જનરેશન' કહી સંબોધ્યા હતા. ફરિયાદીઓનું કહેવું છે કે આ નિવેદનથી યુવાનો અને મહિલાઓની લાગણીઓને ઠેસ પહોંચી છે.
કોંગ્રેસે કાનૂની કાર્યવાહીની કરી માંગ
કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે આ પ્રકારની ટિપ્પણીઓ સમાજમાં વૈમનસ્ય ફેલાવી શકે છે. તેમણે પોલીસ સમક્ષ કંગના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસે ફરિયાદ સ્વીકારી છે અને આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાનો બાકી છે.
કંગનાનો પણ આવ્યો જવાબ
બીજી તરફ, કંગના રનૌતે સોશિયલ મીડિયા પર લખ્યું કે તેમની ફિલ્મોના દૃશ્યોનો ઉપયોગ કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે પોતાના નિવેદનને યોગ્ય ઠેરવતા કેટલીક પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત માનસિકતા પર ટીકા કરી હતી. આ સમગ્ર મામલે રાજકીય અને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની છે.

