સાયન્સ સિટીથી હરિયાળા ગુજરાતનો સંકલ્પ
અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજે પર્યાવરણ સંરક્ષણને સમર્પિત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હરિયાળા ગુજરાત અને પર્યાવરણ જાળવણી માટે સૌને જોડાવાનું આહ્વાન કર્યું.
વિકાસ સાથે પર્યાવરણને સમાન પ્રાધાન્ય
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની સાથે પર્યાવરણ સંરક્ષણને પણ સમાન મહત્વ આપ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના જેવી પહેલ તેના ઉત્તમ ઉદાહરણો છે.

'કેચ ધ રેઈન' અભિયાનને મળ્યો વેગ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા 'કેચ ધ રેઈન' અભિયાનને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઈ શકે. શહેરોમાં ગ્રીન કવચ વધારવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે અને વૃક્ષારોપણ આવનારી પેઢી માટે સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણનું મહત્વપૂર્ણ સાધન છે.
લક્ષ્યાંક 1 કરોડ વૃક્ષારોપણ
ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1 કરોડ વૃક્ષો વાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આ અભિયાન અંતર્ગત વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કરવામાં આવશે અને નાગરિકોને પણ તેમાં જોડાવા અપીલ કરવામાં આવી.

403 સ્થળોએ થશે વૃક્ષારોપણ
અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 403 સ્થળોએ વૃક્ષારોપણ થશે. અમદાવાદ શહેરમાં પણ 35 સ્થળોએ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આ સમગ્ર અભિયાનનો ઉદ્દેશ હરિયાળી વધારવી, જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવું અને પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે.

