‘નવનિર્માણ’ નહીં, ‘પુનઃનિર્માણ’નો વિચાર
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં ગાંધીજીના વિચારોને યાદ કરીને મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ગાંધીજીને વાંચશો તો ‘નવનિર્માણ’ શબ્દ ક્યારેય નહીં મળે, પરંતુ તેમણે હંમેશા ‘પુનઃનિર્માણ’ વિશે વિચાર આપ્યો હતો. અમિત શાહે વિદ્યાર્થીઓને ગાંધીજીના વિચારોને સમજવા અને જીવનમાં ઉતારવા માટે પણ અપીલ કરી હતી.
‘લક્ષ્ય દેશ અને સમાજ માટે નક્કી કરજો’
પદવી મેળવનારા વિદ્યાર્થીઓને સંબોધતા અમિત શાહે કહ્યું કે ગુજરાત વિદ્યાપીઠનું પ્રાંગણ છોડતા પહેલાં જીવનનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે લક્ષ્ય પ્રાપ્ત થશે કે નહીં તેનો બોજ ન રાખવો, પરંતુ જે કામ કરવાનું છે તે ખરેખર કરવા જેવું છે કે નહીં તેનો વિચાર કરવો. તેમણે કહ્યું કે લક્ષ્ય માત્ર પોતાના માટે નહીં પરંતુ દેશ, સમાજ, લોકો અને ગરીબો માટે નક્કી કરવું જોઈએ.
ગાંધીજીનો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત
અમિત શાહે ગાંધીજીના વિચારોની પ્રાસંગિકતા અંગે પણ વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, ગાંધીજીનો સંદેશ ગઈકાલે જેટલો સાર્થક હતો, એટલો જ આજે છે અને આગામી 100 વર્ષ સુધી પણ રહેશે. તેમણે ગાંધીજીના એ વિચારનો ઉલ્લેખ કર્યો કે તેમણે કોઈ નવી વાત કહી નથી, પરંતુ સદીઓથી સાંભળતા આવેલા સત્યને પોતાના જીવનમાં ઉતાર્યું છે.
ગાંધીજીના સાત સામાજિક વાત યાદ રાખવા અપીલ
અમિત શાહે ગાંધીજી દ્વારા દર્શાવવામાં આવેલા સાત સામાજિક પાપોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સિદ્ધાંત વિનાની રાજનીતિ, નૈતિકતા વિનાનો ધંધો, વિવેક વિનાનું જ્ઞાન, ચરિત્ર વિનાનું જ્ઞાન, માનવતા વિનાનું વિજ્ઞાન અને ત્યાગ વિનાની ઉપાસના જેવા વિચારોને સમજાવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આ સિદ્ધાંતો યાદ રાખવાની અને જીવનમાં તેના આધારે આત્મમંથન કરવાની અપીલ કરી હતી.
‘આપણે મહાન વ્યક્તિ નથી કે ભૂલ ન થાય’
અમિત શાહે કહ્યું હતું કે દરેક વ્યક્તિથી ભૂલ થઈ શકે છે અને કોઈ વ્યક્તિ એવી નથી કે જે આમાંથી એક પણ સામાજિક પાપ ન કરે. જોકે, ભૂલ થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું તે અંગે પણ ગાંધીજીએ માર્ગદર્શન આપ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને દેશ અને સમાજ માટે જવાબદારીપૂર્વક કામ કરવાની દિશામાં આગળ વધવા માટે તેમણે પ્રેરણા આપી હતી.

