પેપર લીક સામે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
દેશભરમાં પ્રવેશ અને ભરતી પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓ રોકવા માટે કેન્દ્ર સરકારે ઘડેલો એન્ટી પેપર લીક બિલ હવે કાયદો બની ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ ગેઝેટ સૂચના જાહેર થતાં આ કાયદો સમગ્ર દેશમાં અમલમાં આવ્યો છે. નવા કાયદામાં ગુનેગારો માટે કડક સજા અને ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે.
હવે કેટલી થશે સજા અને દંડ?
નવા કાયદા મુજબ પ્રશ્નપત્ર લીક કરવું, પરીક્ષામાં ગેરરીતિ કરવી અથવા છેતરપિંડીમાં સામેલ થવું ગંભીર ગુનો ગણાશે. આવા ગુનામાં 5થી 10 વર્ષની જેલ અને ₹10 લાખથી વધારીને ₹50 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સેવા પ્રદાતાઓ સામે ₹5 કરોડ સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ગેંગ અને સંસ્થાઓ સામે પણ કડક કાર્યવાહી
નવા કાયદા હેઠળ પેપર લીકમાં સામેલ ગેંગ, કોચિંગ સંસ્થાઓ અને અન્ય સંબંધિત એજન્સીઓ સામે પણ કડક કાર્યવાહી થશે. દોષિત એજન્સીઓને 8 વર્ષ સુધી બ્લેકલિસ્ટ કરી શકાશે. સંગઠિત ગુનાઓમાં સંડોવણી સાબિત થાય તો 7થી 10 વર્ષની જેલ અને ₹10 કરોડ સુધીનો દંડ થઈ શકે છે.
ઝડપી તપાસ અને ફાસ્ટ-ટ્રેક સુનાવણી
કાયદા મુજબ આવા કેસોની તપાસ માટે જરૂરિયાત મુજબ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની રચના થઈ શકશે. પોલીસ, CBI અથવા STFને બે મહિનામાં તપાસ પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં દરરોજ સુનાવણી કરીને કેસનો ઝડપી નિકાલ કરવાનો પ્રાવધાન કરવામાં આવ્યો છે.

