રોપડા ચેકપોસ્ટ પાસે પોલીસની કાર્યવાહી

અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી સામે વટવા પોલીસે કાર્યવાહી કરીને અંદાજે ₹4.96 લાખની કિંમતનો 9.920 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. એસ.પી. રિંગરોડ પર રોપડા ચેકપોસ્ટ નજીક ટ્રાવેલ્સ બસ મારફતે ઓડિશાથી જૂનાગઢ લઈ જવાતો આ જથ્થો પકડાયો હતો. પોલીસે આ કેસમાં જૂનાગઢમાં રહેતા એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ મંગાવનાર અને સપ્લાયર સહિત અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

કપડાંની આડમાં ગાંજો લઈ જવાનો આરોપ

પોલીસને મળેલી બાતમીના આધારે રોપડા ચાર રસ્તા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા કરીમશા મહેબુબશા રફાઈ અને રિજવાનાબાનું આમદભાઈ સેહતાને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તેમની પાસે રહેલી ત્રણ પ્લાસ્ટિકની થેલીઓમાંથી કપડાંની આડમાં રાખેલા છ અલગ-અલગ પાર્સલ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન તેમાંથી કુલ 9 કિલો 920 ગ્રામ ગાંજો મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

મહિલાની અગાઉની મુસાફરીઓ અંગે તપાસ

પોલીસની પ્રાથમિક પૂછપરછ મુજબ, મહિલા રિજવાનાબાનુંના છૂટાછેડા થયા બાદ આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તે અગાઉ પણ જૂનાગઢના આદિલ સૈયદ અને વેરાવળના ફૈજાન મેમણના કહેવાથી ચારથી પાંચ વખત ઓડિશાથી ગાંજો લાવી ચૂકી હતી. આ કેસમાં તેની ભૂમિકા, અગાઉની હેરાફેરી અને અન્ય આરોપીઓ સાથેના સંપર્ક અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ગાંજો પહોંચાડવા માટે નાણાં આપ્યાનો ખુલાસો

પોલીસની તપાસ મુજબ, આદિલ સૈયદ અને ફૈજાન મેમણ દ્વારા ગાંજાનો જથ્થો પહોંચાડવા માટે મહિલાને ₹1 લાખ આપવામાં આવ્યા હતા. તેમાંથી ₹90 હજાર ઓડિશામાં રહેતા રબીદાસ નામના શખ્સને માલની કિંમત પેટે ચૂકવવામાં આવ્યા હોવાનો દાવો છે. જથ્થો જૂનાગઢ પહોંચાડવાના બદલામાં મહિલાને ₹20 હજાર મળવાના હતા. જ્યારે તેની સાથે રહેલા કરીમશાને રોજના ₹1,000 આપવાની લાલચ આપવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ટ્રેન અને ખાનગી બસથી હેરાફેરીનો આરોપ

પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓ ટ્રેન મારફતે ઓડિશા ગયા હતા અને ત્યારબાદ નાગપુર થઈ ખાનગી ટ્રાવેલ્સ બસમાં અમદાવાદ પહોંચ્યા હતા. અહીંથી ગાંજાનો જથ્થો જૂનાગઢ લઈ જવાનો હતો. પોલીસે આ કેસમાં આદિલ સૈયદ, ફૈજાન મેમણ અને ઓડિશાના સપ્લાયર રબીદાસ સહિત અન્ય સંડોવાયેલા લોકો સામે તપાસ શરૂ કરી છે. ડ્રગ્સના સ્ત્રોત, નાણાકીય વ્યવહાર અને સમગ્ર નેટવર્કની કડીઓ શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.