સત્ય નિકેતનમાં કાળ બની બિલ્ડિંગ

દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની PG ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત થયા છે. બચાવ ટીમોએ કાટમાળમાંથી અનેક લોકોને બહાર કાઢ્યા છે અને કેટલાક ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બેઝમેન્ટના કામ વચ્ચે તૂટી પડી ઇમારત

પ્રાથમિક તપાસ મુજબ ઇમારતમાં બેઝમેન્ટનું કામ ચાલી રહ્યું હતું અને રિનોવેશન દરમિયાન સ્ટ્રક્ચરમાં ખામી સર્જાઈ હોવાની આશંકા છે. પાંચ માળની આ ઇમારતનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે બોયઝ PG તરીકે થતો હતો. ઘટના બાદ ઇમારતની આસપાસના સ્ટ્રક્ચરની સલામતી અંગે પણ સવાલો ઊભા થયા છે.

NDRF સહિતની ટીમોનું રેસ્ક્યૂ ઓપરેશન

બિલ્ડિંગ ધરાશાયી થતાં જ દિલ્હી ફાયર સર્વિસ, પોલીસ, NDRF સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળ હટાવવા માટે ભારે મશીનરી સાથે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. અધિકારીઓ દ્વારા કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે સતત કામગીરી કરવામાં આવી હતી. તાજા અહેવાલો અનુસાર 10થી 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કેટલાક લોકોની સારવાર ચાલી રહી છે.

5 મોત બાદ FIR, બેદરકારીની તપાસ

દિલ્હી પોલીસે ઘટનાને લઈને FIR નોંધી છે અને બિલ્ડિંગના કથિત માલિક તથા અન્ય લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. તાજા અહેવાલમાં FIRમાં કથિત માલિક તરીકે હરીરામ અને અન્ય લોકોનો ઉલ્લેખ છે. રિનોવેશનનું કામ અને તેની મંજૂરી સહિતના મુદ્દાઓ તપાસ હેઠળ છે.

ABVPનો MCD સામે આક્રોશ

દુર્ઘટનામાં વિદ્યાર્થીઓના મોત બાદ ABVPના કાર્યકરોએ MCD સામે ઉગ્ર વિરોધ કર્યો. સિવિક સેન્ટર ખાતે વિરોધ દરમિયાન MCD ઓફિસમાં તોડફોડ થઈ અને કાચ તૂટવાના દૃશ્યો સામે આવ્યા. ABVPએ MCD કમિશનરના રાજીનામા સાથે દિલ્હીની PG અને વિદ્યાર્થી આવાસની સેફ્ટી ઓડિટ કરવાની માંગ કરી છે. કેટલાક પ્રદર્શનકારીઓને પોલીસે કસ્ટડીમાં લીધા હોવાના અહેવાલ છે.

PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્ય નિકેતનની ઘટના પર દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી અને જણાવ્યું કે અધિકારીઓ ઘટનાસ્થળે સક્રિય રીતે કામ કરી રહ્યા છે.

સરકારે ઊંઘમાંથી જાગવું પડશે: અરવિંદ કેજરીવાલ

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવી કહ્યું કે તંત્રની બેદરકારીને લીધે સતત દુર્ઘટનાઓ બની રહી છે અને સરકારે ઊંઘમાંથી જાગી કડક પગલાં લેવા પડશે. બીજી તરફ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે આ સમગ્ર મામલાની ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરી છે અને સીલ કરાયેલી ઇમારતનું સીલ કોના કહેવા પર હટાવાયું તેની જવાબદારી નક્કી કરવા જણાવ્યું છે.