મોડી રાત્રે ધરતી ધ્રૂજી
દિલ્હી અને આસપાસના NCR વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રાત્રે લગભગ 10:23 વાગ્યે ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેના આંચકા દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા.
ચમોલીમાં ભૂકંપનું કેન્દ્ર
ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં નોંધાયું હતું. ભૂકંપની ઊંડાઈ આશરે 13 કિલોમીટર નોંધાઈ છે. આંચકા અનુભવાયા બાદ દિલ્હી-NCRના કેટલાક વિસ્તારોમાં લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર નીકળી આવ્યા હતા.
દિલ્હી-NCR સુધી અસર
નોઈડા, ગાઝિયાબાદ અને દિલ્હી સહિત NCRના વિવિધ વિસ્તારોમાં ધરતી ધ્રૂજવાનો અનુભવ થયો હોવાની માહિતી સામે આવી છે. ઉત્તરાખંડ ઉપરાંત ઉત્તર ભારતના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હોવાના અહેવાલો છે.
હાલ જાનમાલના નુકસાનની માહિતી નહીં
ભૂકંપ બાદ લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે હાલ ઉપલબ્ધ માહિતી મુજબ જાનહાનિ કે મોટા પ્રમાણમાં નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. સ્થાનિક તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આંચકા આવે તો શું કરવું
ભૂકંપ દરમિયાન ગભરાઈને દોડવાને બદલે શક્ય હોય તો મજબૂત ટેબલ અથવા ફર્નિચરની નીચે આશરો લેવો, બારી અને કાચથી દૂર રહેવું અને લિફ્ટનો ઉપયોગ ન કરવો. બહાર હોય તો ઈમારતો, વીજ થાંભલા અને અન્ય જોખમી માળખાથી દૂર ખુલ્લી જગ્યાએ રહેવું વધુ સુરક્ષિત છે.

