દેશમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ

દેશભરમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)23થી 28 જુલાઈ દરમિયાન દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભારેથી અતિભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોથી લઈને મેદાની રાજ્યો સુધી અનેક જગ્યાએ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે.

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ

દિલ્હી-એનસીઆરમાં આગામી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 26થી 28 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહારમાં 23 અને 24 જુલાઈએ ભારે વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને અચાનક પૂરનું જોખમ વધતાં કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયા છે.

મધ્ય અને પશ્ચિમ ભારતમાં પણ વરસાદી માહોલ

મધ્ય પ્રદેશમાં આગામી 24થી 48 કલાક દરમિયાન ભોપાલ, જબલપુર, રીવા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજસ્થાનના અનેક વિભાગોમાં પણ 26 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત સહિત અનેક રાજ્યો રહેશે અસરગ્રસ્ત

ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ તેમજ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.