CNG વાહનચાલકો માટે મોટા સમાચાર
બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં આવતીકાલે, 19 ઓગસ્ટથી આશરે 65 CNG પંપ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. પંપ સંચાલકો દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયને પગલે આ વિસ્તારના હજારો CNG વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
સમાધાન બેઠક નિષ્ફળ
CNG પંપ સંચાલકો અને IMR કંપની વચ્ચે યોજાયેલી સમાધાન બેઠક નિષ્ફળ જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બંને પક્ષો વચ્ચે કંપનીની ઓફિસે બેઠક યોજાઈ હતી. જોકે, પંપ ડીલરોની વિવિધ માંગણીઓ અંગે અંતિમ સહમતિ ન સધાતા વિવાદ વધુ વકર્યો છે.
માંગણીઓ સ્વીકારાઈ નહીં
પંપ સંચાલકોના જણાવ્યા પ્રમાણે તેમની વિવિધ માંગણીઓ અંગે કંપની તરફથી કોઈ સ્પષ્ટ અને તટસ્થ નિર્ણય આપવામાં આવ્યો નથી. સંચાલકોનો આક્ષેપ છે કે માંગણીઓ અંગે માત્ર આશ્વાસન આપવામાં આવ્યું, પરંતુ તેનો અમલ ક્યારે અને કેવી રીતે થશે તે અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.
19 ઓગસ્ટથી પંપ બંધ
આ સ્થિતિમાં પંપ સંચાલકોએ પોતાના અગાઉના નિર્ણય પર અડગ રહેતા 19 ઓગસ્ટથી બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારના આશરે 65 CNG પંપ બંધ રાખવાનું એલાન કર્યું છે. આ નિર્ણયથી CNG પર ચાલતા વાહનચાલકો માટે ઇંધણ મેળવવામાં મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે.
વાહનચાલકો માટે મુશ્કેલી વધશે?
પંપ બંધ રહેવાના કારણે ખાસ કરીને રોજિંદા ધોરણે CNG વાહનનો ઉપયોગ કરતા લોકો, રિક્ષાચાલકો, ટેક્સીચાલકો અને અન્ય વાહનચાલકોને અસર થઈ શકે છે. જોકે, પંપ સંચાલકો અને કંપની વચ્ચે ફરીથી સમાધાન થાય છે કે નહીં તેના પર હવે સૌની નજર રહેશે.

