Blinkitએ ગુરુગ્રામ ટ્રાફિક પોલીસ સાથે મળીને 16 અકસ્માતપ્રવણ વિસ્તારોમાં 24/7 ફ્રી BLS એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે, જે અકસ્માત બાદ ઝડપી સારવાર પહોંચાડશે.
અકસ્માત બાદ ઝડપથી સારવાર પહોંચાડવાનો નવો પ્રયાસ
રોડ અકસ્માતોમાં સમયસર સારવાર ન મળવાને કારણે અનેક લોકો જીવ ગુમાવે છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને Blinkit અને ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે મળીને શહેરમાં 24 કલાક મફત એમ્બ્યુલન્સ સેવા વધુ વિસ્તૃત કરી છે. હવે અકસ્માતપ્રવણ વિસ્તારોમાં એમ્બ્યુલન્સ સતત તૈયાર રહેશે જેથી જરૂર પડતાં તરત જ મદદ મળી શકે.
16 અકસ્માત સંભવિક વિસ્તારોમાં ખાસ તૈનાતી
આ પહેલ હેઠળ કુલ 17 BLS એમ્બ્યુલન્સ ગુરુગ્રામના 16 ઓળખાયેલા બ્લેક સ્પોટ પર મુકવામાં આવી છે. કંપનીનો હેતુ એવો છે કે અકસ્માતની જાણ થતાં જ શક્ય તેટલા ઓછા સમયમાં, અંદાજે 10થી 15 મિનિટની અંદર, મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી જાય અને દર્દીને પ્રાથમિક સારવાર મળી શકે.
પોલીસને પણ આપવામાં આવી ખાસ ટ્રેનિંગ
આ સેવાનો અસરકારક ઉપયોગ થઈ શકે તે માટે ટ્રાફિક પોલીસના કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવી. ટ્રાફિક DCP રાજેશ મોહનની હાજરીમાં યોજાયેલા સેશનમાં Blinkit એપ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ કેવી રીતે બોલાવવી તેની માહિતી આપવામાં આવી. અધિકારીઓનું માનવું છે કે અકસ્માત પછીની શરૂઆતની મિનિટો દર્દીનો જીવ બચાવવામાં સૌથી મહત્વની હોય છે.
લાઈફ સપોર્ટ સાધનોથી સજ્જ દરેક એમ્બ્યુલન્સ
દરેક એમ્બ્યુલન્સમાં એક પેરામેડિક, આસિસ્ટન્ટ અને ડ્રાઈવર સહિત ત્રણ સભ્યોની ટીમ રહેશે. ઉપરાંત AED, ઓક્સિજન સિલિન્ડર, વાઇટલ્સ મોનિટર અને અન્ય જરૂરી લાઈફ-સેવિંગ સાધનો પણ ઉપલબ્ધ રહેશે. Blinkitના CEO અલ્બિન્દર ધિંદસાએ જણાવ્યું છે કે આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને આગામી બે વર્ષમાં દેશના અન્ય મોટા શહેરોમાં પણ તેનો વિસ્તાર કરવાનો કંપનીનો પ્લાન છે.

