શ્રાવણમાં ભેળસેળનો ખતરો વધ્યો!
શ્રાવણ માસ અને તહેવારોની સિઝન વચ્ચે ઘી, માવો, મીઠાઈ અને કંકુ સહિતની ચીજોમાં ભેળસેળની ફરિયાદો સામે આવી રહી છે. સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને ફરી સવાલો ઉઠ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ લોકોને જ સાવચેત રહેવાની અપીલ કરી છે.
ઘીથી લઈને માવા સુધી ભેળસેળની ચિંતા
શ્રાવણ માસમાં પૂજા-અર્ચનામાં ઘી અને કંકુનો ઉપયોગ વધે છે, જ્યારે તહેવારો નજીક આવતા મીઠાઈ અને માવાની માંગ પણ વધી જાય છે. આ જ સમયગાળામાં ભેળસેળિયાઓ સક્રિય થવાની શક્યતા રહે છે. આરોગ્ય મંત્રીએ લોકોને બજારમાં મળતા દરેક ઘીને શુદ્ધ ન માનવા અને શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ ઘીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
કંકુમાં કેમિકલના ઉપયોગ અંગે પણ ચિંતા
મંત્રીએ કંકુમાં કેમિકલના ઉપયોગ અંગે પણ લોકોને સાવચેત કર્યા છે. ધાર્મિક ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં પણ ગુણવત્તા અંગે સાવધાની રાખવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ અતિશય સસ્તા ભાવે મળતા ઘી અને માવાની ખરીદી ટાળવા લોકોને અપીલ કરવામાં આવી છે.
ભેળસેળિયા સામે કાર્યવાહી ક્યાં?
સરકાર તરફથી કેટલીક ભેળસેળ કરતી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરીને તેમને સીલ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ સવાલ એ છે કે બજારમાં ભેળસેળવાળો માલ પહોંચે તે પહેલાં તેને રોકવાની જવાબદારી કોની? માત્ર ગ્રાહકોને સાવચેત રહેવાની સલાહ આપવાથી ભેળસેળનો કાયમી ઉકેલ આવશે કે પછી તંત્રએ પણ નિયમિત તપાસ અને કડક કાર્યવાહી કરવી પડશે?
ગ્રાહકોની સાથે તંત્રની પણ જવાબદારી જરૂરી
તહેવારોની સિઝનમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન સેમ્પલિંગ, લેબ ટેસ્ટિંગ અને ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ બજારમાં આવ્યા બાદ ગ્રાહક તેને ઓળખી શકે તે હંમેશા શક્ય નથી. તેથી જનતાની સાવચેતીની સાથે તંત્રની સતત દેખરેખ પણ એટલી જ મહત્વની છે.

