કૂવામાં પડતાં ત્રણ યુવકોના મોત

ભાવનગરના ઉખરલા ગામની વાડીમાં કૂવામાં પડી જતાં ત્રણ યુવકોના મોત થતાં ચકચાર મચી છે. મૃતકોની ઓળખ રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ તરીકે થઈ છે. પરિવારજનોનો આક્ષેપ છે કે વાડીમાં જુગારની રેડ દરમિયાન પોલીસથી બચવા ભાગતી વખતે ત્રણેય યુવકો કૂવામાં પડ્યા હતા.

જુગારની રેડમાં ભાગદોડનો આક્ષેપ

પરિવારજનોના જણાવ્યા મુજબ ઉખરલા ગામની વાડીમાં આશરે 11 લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ દરોડો પાડવા આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસથી બચવા માટે ભાગદોડ થતાં ત્રણ યુવકો કૂવામાં પડી ગયા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

પોલીસનો દાવો અલગ, સવાલો વધ્યા

બીજી તરફ વરતેજ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હોવાની વાત નકારવામાં આવી રહી છે. પોલીસના આ દાવા અને પરિવારજનોના આક્ષેપ વચ્ચે સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાસ્થળે ખરેખર શું બન્યું હતું અને ત્રણેય યુવકો કયા સંજોગોમાં કૂવામાં પડ્યા તે હવે તપાસનો મહત્વનો મુદ્દો બન્યો છે.

અન્ય લોકોને રોક્યાનો પણ દાવો

ઘટના બાદ વાડીમાં હાજર અન્ય લોકોને વરતેજ પોલીસના ડિસ્ટાફ રૂમમાં રાખવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ નથી. ત્રણ યુવકોના મોત બાદ પરિવારજનો સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને હકીકત બહાર લાવવાની માંગ કરી રહ્યા છે.

મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર

ત્રણ યુવકોના મોત બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. પરિવારજનો દ્વારા સમગ્ર હકીકત સ્પષ્ટ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. હવે પોલીસ દરોડો થયો હતો કે નહીં અને ત્રણેય યુવકો કયા સંજોગોમાં કૂવામાં પડ્યા તેની તપાસ બાદ જ સમગ્ર ઘટનાનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે.