હાઈકોર્ટ પહોંચ્યો લઠ્ઠાકાંડનો મુદ્દો

ભાવનગરના ખરકડી લઠ્ઠાકાંડ મામલે હવે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એડવોકેટ નીતિન ગાંધીએ ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરી સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ, પીડિતોને વળતર અને તપાસની ન્યાયિક દેખરેખની માંગ કરી છે.

મેથેનોલ ભેળસેળની આશંકા

રજૂઆતમાં નકલી દારૂમાં મેથેનોલ જેવા ઝેરી રસાયણની ભેળસેળ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત નકલી દારૂના ઉત્પાદનથી લઈને સપ્લાય, પરિવહન અને વેચાણ સુધીની સમગ્ર ચેઈનની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે, જેથી ગેરકાયદે નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય.

બેદરકારી હોય તો અધિકારીઓ સામે પણ કાર્યવાહી

જો તપાસ દરમિયાન પોલીસ, પ્રોહિબિશન વિભાગ, એક્સાઇઝ વિભાગ અથવા અન્ય વહીવટી તંત્રની બેદરકારી કે સંડોવણી સામે આવે તો જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. સાથે જ ઘટનાના મહત્વના સાક્ષીઓને સુરક્ષા આપવાની રજૂઆત પણ કરવામાં આવી છે.

પીડિતોને વળતર અને સારવારની માંગ

લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની તેમજ અસરગ્રસ્ત લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર અને પુનર્વસનની સુવિધા આપવાની માંગ કરવામાં આવી છે. ઘટનાથી અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળે તે માટે રાજ્ય તંત્રની જવાબદારી નક્કી કરવાની પણ રજૂઆત કરાઈ છે.

તપાસનું ન્યાયિક મોનિટરિંગ માંગ્યું

સૌથી મહત્વની માંગોમાં સમગ્ર તપાસની પ્રગતિનું ગુજરાત હાઈકોર્ટ દ્વારા ન્યાયિક મોનિટરિંગ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિવૃત્ત ચીફ જસ્ટિસ અથવા નિવૃત્ત જજની આગેવાની હેઠળ ઉચ્ચસ્તરીય કમિટી રચવાની ભલામણ પણ કરવામાં આવી છે. હવે નજર ગુજરાત હાઈકોર્ટના આગામી વલણ પર છે.