5નાં મોત બાદ મોટો એક્શન

ભાવનગર જિલ્લામાં કથિત નકલી દારૂકાંડને પગલે પોલીસ અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચ્યો છે. બનાવટી દારૂના સેવનથી 4 લોકોનાં મોત થયાનો વહીવટી તંત્રનો દાવો છે, જ્યારે 18થી વધુ લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગંભીર બનેલા આ મામલે પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 શખસો સામે ફરિયાદ નોંધાવી છે.

21 સામે FIR, 5 પોલીસકર્મી સસ્પેન્ડ

કથિત લઠ્ઠાકાંડ મામલે પોલીસે BNS અને પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 લોકોને ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, ફરજમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે જિલ્લા SP દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનના એક અને વરતેજ પોલીસ સ્ટેશનના ચાર મળી કુલ 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

4 મોત, 18 લોકો સારવાર હેઠળ

જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર, કથિત ડુપ્લિકેટ રોયલ સ્ટેગ દારૂના સેવન બાદ 4 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં કાર્તિક મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોહીલ, ઘનશ્યામસિંહ અને નરેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે. જોકે નરેન્દ્ર યાદવનું મોત શંકાસ્પદ હોવાનું પણ જણાવાયું છે. હાલ 18 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 2ની સ્થિતિ ગંભીર છે. 4 દર્દીઓ ICUમાં અને 2 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું જણાવાયું છે.

ગાંધીનગરથી પણ ખુલાસો માંગાયો

આ ગંભીર બનાવ અંગે ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમે ભાવનગર જિલ્લા પોલીસ વડા પાસે ખુલાસો માંગ્યો છે. સમગ્ર મામલે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ અને ભાવનગર રેન્જ IGને ટેલિફોનિક અથવા લેખિત જાણ કરવામાં આવી હતી કે નહીં, તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. હવે આ સમગ્ર કેસમાં નકલી દારૂના નેટવર્કથી લઈને પોલીસની ભૂમિકા સુધીની તપાસ પર નજર રહેશે.